ગરીબો માટે ઠેર-ઠેર સેવાયજ્ઞ ચાલુ છે તેમ મધ્યમ વર્ગ કે નાના વ્યવસાયીકને પણ કપરા સમયમાં રાહત અપાય તે જરૂરી
કોરોના વાયરસને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી હતી. વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓને પોતાના કામદારોના પગાર ન કાપવાનું સુચન પણ આપ્યું હતું. બીજી તરફ ગરીબ-શ્રમિક વર્ગની મદદ માટે ઠેર-ઠેરથી સેવા યજ્ઞો શરૂ થયા હતા. રોકડ સહાયથી લઈ મહિનાનું કરિયાણુ ભરી દેવા સહિતની સેવા તંત્ર અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. અલબત આ સેવાયજ્ઞમાં મધ્યમ વર્ગને ભુલાવી દેવાયો હોય તેવો ઘાટ ઘડાયો છે. નાના દુકાનદારો અથવા રેંકડી ધારકો માટે વર્તમાન સ્થિતિ ખુબજ કપરી છે. સરકાર બીપીએલ કે એપીએલ કાર્ડ ધરાવનારને અનાજ આપે છે પરંતુ એક એવો બહોળો વર્ગ છે જે કોઈની સામે હાથ લંબાવતો નથી પરંતુ વર્તમાન સમયે ખુબજ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આવા વર્ગને પણ સહાય કરવા માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવે તે જરૂરી છે.
રાજ્યમાં ગરીબોને અન્ન મળી રહે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓએ પ્રયત્નો કર્યા છે. ફૂડ પેકેટના વિતરણથી લઈ અનાજ કીટ પણ ગરીબોને આપવામાં આવે છે. તંત્ર દ્વારા અમુક કિસ્સામાં રોકડ સહાય અપાય છે. જો કે, રાજ્યમાં જેમની સંખ્યા સૌથી વધુ છે અને જે ખરેખર જરૂરતમંદ છે તેવા મધ્યમ વર્ગ અથવા તો નાના ધંધાદારી કે નોકરીયાત માટે કોઈપણ રાહતના સમાચાર મળતા નથી. આવા લોકોની હાલત લોકડાઉન ઉઠી ગયા બાદ પણ કફોડી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયે કોરોના વાયરસના કારણે લોકડાઉન દરમિયાન મધ્યમ વર્ગ ઘરમાં છે. કેટલાકની દુકાનો બંધ છે. કેટલાક નોકરીએ પહોંચી શકતા નથી. પરિણામે પગાર કપાઈ જશે તેવો ડર છે. આવા સંજોગોમાં લોકડાઉન દરમિયાન ઘરમાં ચાલે તેટલું રાશન-કરીયાણુ તો છે પરંતુ લોકડાઉન બાદ એકાએક સ્થિતિ થાળે પડવી ખુબજ કપરી છે.
જેમ ગરીબોને સરકાર કે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા રાહત આપવામાં આવે છે તેમ નબળા-મધ્યમ વર્ગને પણ રાહત આપવામાં આવે તે જરૂરી છે. વર્તમાન સમયે આ વર્ગ કોઈ સંસ્થા કે વ્યક્તિ પાસે હાથ લંબાવવામાં સંકોચ અનુભવતી હોય છે ત્યારે સંસ્થાઓ અને તંત્ર દ્વારા એવો માર્ગ કાઢવો જોઈએ કે જેમાં ખરેખર જરૂરીયાતમંદ લોકોને સહાય પહોંચે. આગામી સમયમાં આ વર્ગને મદદ કરવાની તાતી જરૂર ઉભી થઈ છે.
કોરોના વાયરસને રોકવા માટે કેન્દ્ર સરકારે ૨૧ દિવસના લોકડાઉનની ઘોષણા કરી છે. આ લોકડાઉન દરમિયાન ઉદ્યોગ-ધંધાઓ બંધ છે. રોજગારી મળતી નથી, નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની આવક પર કાતર લાગી ગઈ છે. અત્યારે આવા લોકોના ઘરમાં રાશન છે પરંતુ જો લોકડાઉન લંબાવવામાં આવશે તો આગામી સમયમાં મધ્યમ વર્ગ માટે ખુબજ કપરો સમય સાબીત થશે તેવું જણાય આવે છે. મધ્યમ વર્ગ લોકડાઉનમાં ખરેખરનો પીસાઈ જશે તેવું ફલીત થઈ રહ્યું છે. જેથી સંસ્થાઓ કે સરકાર આ બાબતે તુરંત ઘટતું કરે તેવી આશા રાખવામાં આવી છે.