વાઈટ ગોલ્ડ સોનાની ટંકશાળ રચી દેશે
કોટન એસો. ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યા આંકડા : ઘર આંગણે વપરાશ વધીને 3.35 કરોડ ગાંસડીએ પહોંચશે, જેથી નિકાસમાં ઘટાડો થશે
અબતક, રાજકોટ : વાઈટ ગોલ્ડ સોનાની ટંકશાળ રચી દેશે. કારણકે નવા વર્ષમાં કપાસનું ઉત્પાદન 7.13 લાખ ગાંસડી વધીને 3.60 કરોડ ગાંસડી થવાનો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ અંદાજ જાહેર કર્યો છે. આમ ચાલુ વર્ષે વરસાદ સારો રહ્યો હોય વર્ષ 2021-22નો મોસમમાં કપાસનો પાક ખેડૂતોને ભરપૂર કમાણી કરાવવાનો છે.
મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. જેમાં કપડાં બનાવવા માટે કપાસ બહુ જરૂરી છે. વિશ્વમાં ‘સફેદ સોના’ કહેવાતા કપાસની સાથે ગુજરાતનો વર્ષોજૂનો સંબંધ છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતમાંથી કપાસની નિકાસ પણ ભારતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે.
૧લી ઓકટોબરથી શરૂ થયેલી કપાસની નવી મોસમ 2021-22માં દેશમાં કપાસનું ઉત્પાદન 3.60 કરોડ ગાંસડી રહેવાનો કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ પ્રાથમિક અંદાજ મૂકયો છે. સીએઆઈ દ્વારા નિકાસ અંદાજમાં 30 લાખ ગાંસડીનો ઘટાડો આવવાની શક્યતા વ્યક્ત કરી છે.
પૂર્ણ થયેલી 2020-21ની મોસમ માટે મુકાયેલા 353 લાખ ગાંસડીના અંદાજની સરખામણીએ નવી મોસમનો પ્રાથમિક અંદાજ 7.13 લાખ ગાંસડી વધુ છે. એક ગાંસડી એટલે ૧૭૦ કિ.ગ્રા. રૂ થાય છે. 30 સપ્ટેમ્બર 2022ના અંતે સમાપ્ત થનારી વર્તમાન મોસમમાં કપાસનો કુલ પૂરવઠો 170 કિલોની એક એવી 445.13 લાખ ગાંસડી રહેશે એમ એસોસિએશને એક યાદીમાં જણાવ્યું છે.
મોસમના પ્રારંભમાં દેશમાં કપાસનો ઓપનિંગ સ્ટોક ૭૫ લાખ ગાંસડી રહ્યો હતો. આ ઉપરાંત વર્તમાન વર્ષમાં 10 લાખ ગાંસડી આયાત થવાનો અંદાજ છે. વર્તમાન મોસમમાં કપાસનો ઘરઆંગણે વપરાશ 335 લાખ ગાંસડી રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી છે. નિકાસ અંદાજ જે ગઈ મોસમમાં 78 લાખ ગાંસડી મુકાયો હતો તે વર્તમાન મોસમ માટે ઘટાડી 48 લાખ ગાંસડી મુકાયો છે. સપ્ટેમ્બર 2022ના અંતે દેશમાં કપાસનો 62.13 લાખ ગાંસડી સ્ટોક રહી જવાની ધારણાં છે.
ઉલ્લેખનીય છે કે કપાસનો રેકોર્ડબ્રેક ભાવ મળતા ખેડૂતોની દિવાળી સુધી ગઈ છે. કપાસના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી જતાં એક તરફ કિસાનોને ચાંદી ચાંદી થઈ ગઈ છે. તો ચોમાસામાં મેઘરાજાની અતિરેકથી ખેડૂતોના ખભે હજુ પણ નુકશાનીનો બોજ છે. કપાસની હરાજીમાં દૈનિક રૂા.૨૦થી ૨૫નો વધારો થઈ રહ્યો છે, જેથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
દિવાળી બાદ પણ કપાસના ભાવમાં ઉછાળો આવશે તેવા એંધાણ છે.જો કે જીનિંગ ફેક્ટરીઓ કપરા સમયમાંથી પસાર થઈ રહી હોય તેમ મજૂરો મળતા ન હોવાથી જીનિંગ ઉદ્યોગમાં કપાસનું પ્રોડક્શન ઠપ પડયું છે. વધુમાં કપાસના ભાવ ઉંચા છે, ગાંસડીએ 1500ની ડિસ્પેરેટી છે. કપાસ ઘણા સુકાઈ ગયા છે અને ગુલાબી ઈયળનો ઉપદ્રવ થશે તો વધુ નુકશાની થવાની પણ ભીતિ છે.