સાનુકૂળ વરસાદથી વાવણીનું કાર્ય પૂર્ણ થવાના આરે.
સૌરાષ્ટ્રમાં સાનુકૂળ વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં વાવણી કાર્ય પૂર્ણ થવાને આરે છે. એમાં સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર એકંદરે એકસરખું થયું હોવાનું કહેવાય છે. એકાદ સપ્તાહમાં વાવેતરનું સાચું ચિત્ર બહાર આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લામાં પાંચ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર છે તેમાં ગઈ તા. ૩જી જુલાઈ સુધીમાં થયેલું વાવેતર જોઈએ તો મગફળી ૧,૦૨,૪૯૦ હેક્ટર, કપાસ ૧૨૨૬૦ હેક્ટર, ઘાસચારો ૧૨૫૫ હેક્ટર મળી અત્યાર સુધીમાં ૧,૧૭,૨૪૩ હેક્ટરમાં વાવેતર થયું છે અને બાકીના વિસ્તારોમાં વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
જ્યારે પોરબંદર જિલ્લામાં મગફળીનું વાવેતર ૨૨૫૧૦ હેક્ટર, કપાસ ૫૫૮૦ હેક્ટર અને ઘાસચારાનું ૩૦૩૦ હેક્ટરમાં વાવેતર થયું છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વિસ્તારો હોવાથી આવતા સપ્તાહે વાવેતરનું સાચું ચિત્ર જાણવા મળશે. અમરેલી જિલ્લામાં મગફળીનું વાવેતર ૭૮,૯૮૪ હેક્ટર, કપાસ ૨,૧૨,૮૦૭ હેક્ટર, ઘાસચારો ૧૭૩૦૩ હેક્ટર, તલ ૧૮૮૨ હેક્ટર અને શાકભાજીનું ૨૨૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે અને વાવણીકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં મગફળીનું ૫૭૭૮૪ હક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે કપાસ ૬૫૮૫ હેક્ટર, બિનપિયત કપાસ ૩૬૬૨૫ હેક્ટર, શેરડી ૧૭૯૫ હેક્ટર અને તલ ૨૬૮૫ હેક્ટરમાં વાવેતર થયું છે. ગોહિલવાડ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરજોશમાં વાવણી કાર્ય ચાલી રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં મગફળી ૯૮,૩૯૧ હેક્ટર, કપાસ ૬૪૨૫ હેક્ટર, શેરડી ૩૪૪૩ હેક્ટર અને ઘાસચારાનું ૫૭૨૭ હેક્ટરમાં વાવેતર થયું છે તેમ જ બોટાદ જિલ્લામાં મગફળીનું ૨૫૨ હેક્ટર, કપાસ ૮૪૭૭૫ હેક્ટર, બિનપિયત કપાસ ૧૦૬૮૮ હેક્ટર, ઘાસચારો ૪૨૬૯ હેક્ટર અને તલનું વાવેતર ૩૭૪૧ હેક્ટરમાં થયું છે.