લોકડાઉનના સમયગાળા દરમિયાન રૂા.૩૧૦૦૦ના તળીયે પહોંચેલા ભાવ ફરીવાર રૂા.૩૭૦૦૦ને આંબ્યા
લોકડાઉનના સમયગાળા દરમિયાન કપાસના ભાવ તળીયે ગયા હતા. કારણ કે, સમગ્ર ભારત દેશ તેમજ નિકાસ બજારમાં કપાસની માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. પરંતુ ફરીવાર તમામ ઉદ્યોગ-ધંધાની ગાડી પાટે ચઢતા કપાસની માંગ વધી હોય ફરીવાર ભાવ ઉંચકાઈ રહ્યાં છે. તેમાં પણ ખાસ યાર્ન બનાવવાની માંગ નિકળતા કપાસના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. યાર્નની માંગમાં થયેલો સુધારો કપાસના બજાર કિંમતોને વધુ ટેકો આપી રહ્યો છે તેવું હાલના સમયમાં નિષ્ણાંતોનું માનવું છે.
લોકડાઉન બાદ અર્થતંત્રની ગાડી પાટે ચડી છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન કપાસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હાલના સમયમાં યાર્ન બનાવવાની માંગ નીકળતા ફરીવાર કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. બેંચમાર્ક શંકર-૬ કપાસની ગાંસડીનો ભાવ હાલ રૂા.૩૬૮૦૦ થી ૩૭૦૦૦ સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન ભાવ રૂા.૩૧૦૦૦-૩૨૦૦૦એ પહોંચ્યો હતો.
નિષ્ણાંતોના મત મુજબ નિકાસકારો અને કપાસના વિવિધ ઉત્પાદકોની માંગ તેમજ સ્થાનિક મીલો ફરી શરૂ થવાના કારણે સ્થાનિક સ્તરે કપાસના ભાવને ટેકો મળ્યો છે. હાલની કપાસની સીઝન પૂરી થવાના આરે છે.
ગુણવત્તાયુક્ત કપાસનો મર્યાદિત સ્ટોક જ બજારમાં ઉપલબ્ધ છે. ત્યારે નિકાસની માંગ પણ ખુબ વધારે હોવાથી ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. નિરવ પટેલ નામના કપાસના નિકાસકારે કહ્યું હતું કે, અગાઉની સાપેક્ષે હાલના સમયમાં નિકાસની માત્રા સારી છે.
સુતરાઉ યાર્નની નિકાસમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. અનેકવિધ પ્રકારની મીલો કાર્યરત થતાં વિવિધ પ્રકારની ર્યાનની બનાવટની માંગ નીકળી રહી છે. જેના પરિણામે કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ઓલ ગુજરાત સ્પીનર્સ એસોશીએશનએ મામલામાં કહ્યું હતું કે, ગત ૨ મહિનામાં યાર્નની નિકાસમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. જે રાજ્યની સ્પીનીંગ મીલોના ક્ષમતાના ઉપયોગને વધારીને ૭૦ ટકા સુધી પહોંચાડવામાં મદદરૂપ બની રહ્યું છે.