રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસના ભાવમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજે પ્રતિમણ કપાસના રૂા.1685 બોલાયા છે અને માત્ર એકાદ-બે દિવસમાં આ ભાવ રૂા.1700 એ પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા છે. કપાસના સતત વધતા ભાવથી ખેડૂતો પણ ખુશખુશાલ છે.

કપાસ-મગફળીની સીઝન પૂરી થઇ ગઇ છે. તેમ છતાં કપાસના દિનપ્રતિદિન રેકોર્ડ બ્રેક ભાવ બોલાઇ રહ્યાં છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા ઘણા દિવસોથી કપાસના ભાવ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે આજે આ ભાવ રૂા.1700 નજીક પહોંચ્યો છે. આજે ઓલટાઇમ હાઇ ભાવ રૂા.1685 બોલાયો છે અને સરેરાશ 2000 ભાવ કપાસ બેડી યાર્ડમાં ઠલવાઇ રહ્યો છે.

કપાસની બજારમાં ડિમાન્ડ ઉપરાંત ચાલુ વર્ષે હજુ સુધી નહિંવત વરસાદ થતા આ ભાવ સતત ઉંચકાઇ રહ્યો છે અને ચાલુ વર્ષે હજુ પણ પૂરતો વરસાદ નહિં નોંધાય તો આ ભાવ 1700 ઉપર પણ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

કપાસના ઓલ ટાઇમ હાઇ ભાવથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. આ ભાવ જોતાં આગામી નવા કપાસના ભાવ પણ સારા મળવાની ખેડૂતોને આશા છે.

આ ઉપરાંત રાજકોટ યાર્ડમાં મગ, સફેદમગ, કાળા તલ, જુવાર, સીંગદાણા, જીરૂ, ધાણા, રાય-રાયડો, મેથી, અડદ, તુવેર, ચોરી, વાલ, એરંડા, મગફળી વગેરેની પ્રમાણમાં ઠીક-ઠાક આવક થઇ રહી છે.

યાર્ડના પ્લેટફોર્મમાં ઉતરતી તમામ જણસીની આવક દાગીનામાં ઉતારવાની રહેશે. પાલ કરનારની હરરાજી લેવામાં આવશે નહિં. પ્લેટફોર્મમાં ઉતરતી તમામ જણસી જગ્યા હોય ત્યાં સુધી જ ઉતારવાની રહેશે. તેમજ તમામ જણસીની હરરાજી યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઇ ચાલુ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

ઘઉં-ચણાની દરરોજ માત્ર બે કલાક આવક, ઉભા પાલમાં હરરાજી

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક રેગ્યુલર થઇ રહી છે. જ્યારે ઘઉં-ચણા વગેરે જણસી દરરોજ સવારે 6 થી 8 માત્ર બે કલાક આવવા દેવામાં આવે છે. વરસાદી વાતાવરણને કારણે ઘઉં-ચણાની હરરાજી ઉભા પાલથી કરવામાં આવે છે. આ પ્રકારની હરરાજીમાં વાહનમાંથી માલ ઉતારવાનો રહેતો નથી. વાહનમાં જ માલ જોઇ હરરાજી કરવામાં આવી રહી છે. જેથી જણસીને કોઇ નુકશાન પહોચેં નહિં તેમજ ભેજરહિત રહે. ચોમાસાની ઋતુથી છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારે હરરાજી શરૂ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.