*ટેકાના ભાવ કરતા ખૂલ્લા બજારમાં મળતા વધુ ભાવ
*૩૦ લાખ ગાંસડી ઓલરેડી માર્કેટમાં છે
*પ્રતિદિન ૪૫૦૦૦ ગાંસડીની આવક
*પાકિસ્તાન બાંગ્લાદેશ, ઈન્ડોનેશીયામાં ૨૦ લાખ ગાંસડીનું નો શિપમેન્ટ પણ થઈ ગયું
મગફળીના પાક પર ટેકાના ભાવ ન મળવાની ખેડૂતોની ફરિયાદ બાદ કપાસમાં ટેકાના ભાવ આપવાનાં મામલે રાજય સરકારે રાહતનો શ્ર્વાસ લીધો છે.
કેમકે ખેડૂતોને ખૂલ્લા બજારમાંથી જ સરકારી ટેકાના ભાવ એમએસપી કરતા વધુ ભાવ મળી રહ્યા છે. તેમને કપાસ અથવા કોટન સીડના મંડી (માર્કેટ યાર્ડ) અને જિનર્સો પાસેથી ૨૦ કિલોના રૂ.૧૦૦૦થી ૧૧૦૦ મળી રહ્યા છે.
આનાથી ડોમેસ્ટિક અને એક્ષ્પોર્ટ માર્કેટને બૂસ્ટર ડોઝ મળશે. ઉલ્લેખનીય છે કે ટેકાનો ભાવ રૂ. ૯૫૪+૧૦૦ બોનસ સરકારે જાહેર કર્યો છે.આથી કમસે કમ અત્યારે તો કોટનના એમ.એસ.પી. સરકારનું શિરદર્દ નથી કેમકે ખેડૂતોને ઓપન માર્કેટમાં સરકાર કરતા તેમના માલના વધુ ભાવ મળે છે. તેથી ટેકાના ભાવની ટિકટિક થવાનો સવાલ જ નથી.કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન બી.એમ. મોદિએ જણાવ્યું કે કોટનના ટેકાના ભાવ માટે કોઈ જ સમસ્યા નથી. અત્યાર સુધીમાં બજારમાં ૩૦ લાખ ગાંસડી ઠલવાઈ ચૂકી છે. જયારે મગફળી ૭.૦૩ લાખ ટન ઠલવાઈ છે. તેના ટેકાના ભાવ મામલે ખેડૂતોને સવાલ છે. કેમકે મંડીમાં તેમને પૂરતો ભાવ મળતો નથી. વચ્ચે એકવાર તો માવઠું થયું ત્યારે યાર્ડમાં મગફળીનો ખૂલ્લામાં પડેલો મોટો જથ્થો પલળી ગયો હતો.
રાજકોટના એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટીંગ કમીટી એ.પી.એમ.ના સૂત્રોએ પણ જણાવ્યું કે ખૂલ્લા બજારમાં ૨૦ કિલો કપાસ દીઠ ખેડૂતોને રૂ.૧૦૦૦ થી ૧૧૦૦નો ભાવ મળી રહે છે. તેથી તેમને તેમની જણસ કપાસ વેંચવા માટે સરકારી કેન્દ્રમાં જવાની જ‚ર નથી. સરકારે ૨૦ કિલો દીઠ કોટનનો ટેકાનો ભાવ રૂ. ૯૫૪ પ્લસ ૧૦૦ બોનસ ડીકલેર કરેલ છે. ખેડૂતોને તેમના પાકનો પૂરતો ભાવ મળી રહેતા સરકારે પણ રાહતનો શ્ર્વાસ ખેંચ્યો છે.અમદાવાદના કપાસના વેપારી અ‚ણ દલાલે જણાવ્યું હતુ કે છેલ્લા ૧ દોઢ માસથી યાર્ન અને કપડાના ભાવમાં વધારો થયો છે. એકસ્પોર્ટ માર્કેટમાંથી સારી ડીમાંડ છે. ૩૫૬ કિલો (૧ કેન્ડી) સારી ગુણવતાના કોટનનો ભાવ વધીને રૂ. ૪૦૫૦૦થી ૪૧૫૦૦ થયો છે. સમય વીતતા ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા પણ વધી છે. તેઓ તબકકાવાર માલ વેચે છે. આ વર્ષે ગુજરાતમાં ૧૦૦ લાખ ગાંસડી કપાસ ઉત્પાદનની ધારણા છે. અત્યારે ૩૦ લાખ ગાંસડી ઓલરેડી માર્કેટમાં છે. પ્રતિદિન ૪૦ ૪૫૦૦૦ હજાર ગાંસડી આવે છે. જો કે એવરેજ ૬૦-૬૫૦૦૦ ગાંસડીની આવકની છે.
ભારતીય કપાસની ડીમાંડ ઘરઆંગણા ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયામાં પણ છે. અત્યાર સુધીમાં ૨૦ લાખ ગાંસડીનું ઓલરેડી શિપમેન્ટ થઈ ગયું છે. મતલબ કે આ વર્ષે કપાસ એ કૃષિકારો ઉપરાંત જિનર્સો, વેપારીઓ નિકાસકારો માટે ફીલગૂડ ફેકટર છે.