સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે કપાસની માંગ વધતા ભાવ ૬ વર્ષની ટોચે: આવતા વર્ષે કપાસનું બમ્પર વાવેતર થાય તેવી શકયતા
ખેડુત થોડા સમય પહેલા કપાસના સ્થાને અન્ય પાક તરફ વળ્યા હતા પરંતુ તાજેતરમાં સ્થાનિક માંગમાં તોતીંગ ઉછાળાના કારણે કપાસનો ભાવ સતત વધતા હવે ફરીથી કપાસનું વાવેતર ખેડુતો માટે રોકડ પાક તરીકે પ્રાથમિકતા રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.
કપાસની શંકર-૬ જાતના ભાવ વધીને ૪૮,૫૦૦ સુધી પહોંચી ગયા છે.
ગત મહિને કપાસના ભાવ (ગાંસડી) રૂ.૪૪,૦૦૦ હતા જેમાં એકા-એક વધારો થતો જોવા મળી રહ્યો છે. આ મામલે કપાસના વેપારીએ જણાવ્યું હતું કે, શંકર-૬ જાતના સારી કવોલિટીના કપાસનો ભાવ ૪૮,૫૦૦ સુધી પહોંચી ગયો છે જે વર્ષ ૨૦૧૧-૧૨ની સરખામણીએ સૌથી વધુ છે.
હાલ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કપાસની માંગ ખુબ જ વધુ છે. વર્ષ ૨૦૧૧-૧૨માં કપાસના ભાવ રૂ.૫૪૦૦૦ સુધી પહોંચી ગયા હતા. તાજેતરમાં આ ભાવ વધારાને જોતા ફરીથી ભાવ રોજની સપાટીને તોડી નાખે તેવી શકયતા છે. દેશમાં ટેકસ ટાઈલ મીલ અને નિકાસમાં ખુબ જ માંગ નિકળી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતમાંથી કપાસની નિકાસ ૭૦ લાખ ગાંસડી સુધી પહોંચી ગઈ હતી. વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૦ લાખ ગાંસડીનું હતું.
ગુજરાતમાં ટેકસટાઈલ મીલ માટે કપાસની ખપત ચાલુ વર્ષે ૧૫ લાખ ગાંસડી સુધી પહોંચી ગઈ છે જે દર વખતની માંગ કરતા ઘણી વધુ છે. પરીણામે આગામી વર્ષે પણ કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ખેડુતો કપાસના વાવેતર તરફ આકર્ષાશે તેવું જાણવા મળી રહ્યું છે. કપાસના વાવેતર તરફના આકર્ષણનું કારણ આગામી વર્ષે પણ કપાસના ભાવમાં વધારો રહેશે.
આવતા વર્ષે ચીન બહોળા પ્રમાણમાં કપાસની ખરીદી કરશે તેવું વેપારીઓનું માનવું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં કપાસની નિકાસ ૧૫ ટકા સુધી વધી જશે તેવું જાણવા મળે છે.
પરીણામે ચાલુ વર્ષે વાવેતરમાં પણ બહોળો ઉછાળો જોવા મળશે. ચીન સહિતના દેશમાં ભારતીય કપાસની માંગ વધતી જશે. જેથી ફરીથી ખેડુતો કપાસ તરફ વળશે.
વર્ષ ૨૦૧૭-૧૮માં કપાસનું વાવેતર ૩૬૫ લાખ ગાંસડી થશે તથા ગુજરાતમાંથી વાવેતર ૧૦૮ લાખ ગાંસડી થશે તેવું કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના આંકડા કહે છે.