લેટરપેડ અને વિઝીટીંગ કાર્ડમાં કોર્પોરેશનના હોદા ઉપરાંત સંસ્થાના હોદા, ઓફિસ અને ઘરના સરનામાનો પણ ઉલ્લેખ: લાખોના બિલ મુકાયાની પણ ચર્ચા
મહાપાલિકા દ્વારા નગરસેવકોને માનદ વેતન સાથે સ્ટેશનરી ભથ્થુ પણ ચુકવવામાં આવે છે છતાં ભાજપ અને કોંગ્રેસના અનેક કોર્પોરેટરોએ નિયમ વિરુઘ્ધ કોર્પોરેશનના ખર્ચે લેટરપેડ અને વિઝીટીંગ કાર્ડ છપાવ્યા હોવાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનની લોબીમાં ચાલી રહી છે. લેટરપેડમાં નગરસેવકોએ કોર્પોરેશનના હોદા ઉપરાંત ખાનગી સંસ્થામાં પોતે જે હોદો ધરાવે છે તેનો ઉલ્લેખ કર્યો છે અને કાર્ડમાં પોતાની ઓફિસ અને ઘરના પણ એડ્રેસ છપાવ્યા છે.
મહાપાલિકામાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક, વિરોધ પક્ષના નેતા અને ખાસ ૧૫ સમિતિઓના ચેરમેન સહિત કુલ ૨૧ હોદેદારોને મહાપાલિકા દ્વારા લેટરપેડ અને વિઝીટીંગ કાર્ડ છપાવી દેવામાં આવે છે. બાકીના નગરસેવકોને દર મહિને સ્ટેશનરી ભથ્થા પેટે અમુક રકમની ફાળવણી કરીદેવામાં આવે છે. જેમાંથી નગરસેવકોએ લેટરપેડ, વિઝીટીંગ કાર્ડ કે આવકના દાખલા આપવા માટેની સ્ટેશનરીની સામગ્રી છપાવવાની રહેશે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસના અનેક કોર્પોરેટરોએ સ્ટેશનરી ભથ્થા મેળવ્યા હોવા છતાં કોર્પોરેશનના ખર્ચે લેટરપેડ અને વિઝીટીંગ કાર્ડ છપાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે કોર્પોરેશન જયારે લેટરપેડ કે વિઝીટીંગ કાર્ડ છપાવી આપે તેમાં કોર્પોરેશનનો લોગો તેમજ નગરસેવકનું નામ તથા વોર્ડ લખવામાં આવે છે. નગરસેવકના ઓફિસનું કે ઘરનું સરનામું કે અન્ય કોઈ સંસ્થાના હોદા લખવામાં આવતા નથી પરંતુ કોર્પોરેટરોએ તમામ નિયમને નેવે મુકી દીધા છે. કોર્પોરેશનના હોદાની સાથે કાર્ડ અને લેટરપેડમાં ખાનગી સેવાકીય સંસ્થા કે પેઢીમાં પોતે જે હોદો ધરાવે છે તેનો ઉલ્લેખ કર્યો છે અને ઘર તથા ઓફિસનું એડ્રેસ લખાવ્યું છે. મહિલા નગરસેવકે તો પોતાના કાર્ડની બીજી બાજુ પોતાના પતિ દેવના નામનો પણ ઉલ્લેખ કર્યો છે તથા ઓફિસના એડ્રેસ લખાવ્યા છે. સ્ટેશનરી ભથ્થુ મળતું હોવા છતાં કોર્પોરેટરોના લેટરપેડ અને વિઝીટીંગ કાર્ડના પ્રિન્ટીંગનો લાખો રૂપિયાના ખર્ચના બિલ મુકવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com