૨૪૦ કરોડનો ટાર્ગેટ પુરો કરવા હવે રોજ ૨ કરોડની રીકવરી ફરજિયાત બાકીદારોની મિલકતોની જાહેર હરાજીનો ગોઠવાતો તખ્તો
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચને ચાલુ સાલના બજેટમાં આપવામાં આવેલા રૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ રીવાઈઝડ કરી રૂ.૨૪૦ કરોડ કરવામાં આવ્યો છે. આજ સુધીમાં ૧૯૦ કરોડની વસુલાત થવા પામી છે. ટાર્ગેટ હજી ૫૦ કરોડ રૂપિયા છેટો હોય આજથી રોજ બે કરોડ રૂપિયાની વસુલાત કરવી ફરજીયાત બની થઈ છે. છેલ્લા એક સપ્તાહથી ભેદી રીતે ટેકસ બ્રાંચે સીલીંગ અને નળ કાપવાની ઝુંબેશને ઓચિંતી બ્રેક લગાવી દીધી છે. દરમિયાન ટાર્ગેટ પુરો કરવા હવે રીઢા બાકીદારોની મિલકતોની જાહેર હરાજીનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
ટેકસ બ્રાંચને રીવાઈઝડ ટાર્ગેટ રૂ.૨૪૦ કરોડ આપવામાં આવ્યો છે. અગાઉ આપવામાં આવેલો ૨૫૦ કરોડનો ટાર્ગેટ હાંસલ કરવા માટે ગત ડિસેમ્બર માસથી ટેકસની હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે જે અંતર્ગત બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ટાંચ જપ્તીની પણ નોટીસો આપવામાં આવી રહી છે. રિવાઈઝ બજેટમાં ટાર્ગેટમાં ઘટાડો કરવામાં આવતા જ ટેકસ બ્રાંચે પોતાના શસ્ત્રો જાણે મ્યાન કરી લીધા હોય તેમ છેલ્લા એક સપ્તાહથી સીલીંગ અને નળ કાપવાની ઝુંબેશને બ્રેક મારી દેવામાં આવી છે. આજસુધીમાં ટેકસ પેટે રૂ.૧૯૦ કરોડની આવક થવા પામી છે. ટાર્ગેટ હજી ૫૦ કરોડ રૂપિયા દુર છે.
નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આડે હવે ૩૦ દિવસ બાકી છે. જાહેર રજાઓ બાદ કરવામાં આવે તો ટેકસ બ્રાંચ પાસે ટાર્ગેટ હાંસલ કરવા માટે રોકડા ૨૫ દિવસ જ હાથમાં રહ્યા હોય આવામાં આજથી રોજ બે કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવે તો જ ટાર્ગેટ સુધી પહોંચી શકાય તેમ છે. બીજી તરફ ત્રણેય ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા રીઢા બાકીદારોની મિલકતોની જાહેર નિલામી કરવા માટેની યાદી તૈયાર કરવામાં આવી છે. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની લીલીઝંડી મળતાની સાથે જ ફરી ટેકસ બ્રાંચ કડક ઉઘરાણી શરૂ કરશે.