નંદી ઘર શરૂ થયા બાદ કેટલો ખર્ચ થયો તેની વિગતો જાહેર કરવા અને સોલાર પાવર પ્લાન બનાવવા કોંગી નેતાની માંગ
મોરબીમાં બગીચામાં તેમજ પાલિકાના પટાંગણમાં ભંગાર અને ભંગાર વાહનોના ખડકલા કરનાર પાલિકા તંત્ર દ્વારા નાણાકીય ભીડ વચ્ચે નંદીઘરમાં રહેલા અખલાઓને અન્યત્ર ગૌશાળા કે પાંજરાપોળમાં ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે ખાલી પડનાર નંદીઘરને કોઈ વગદારને ભેટમાં આપવાને બદલે અહીં સોલાર પાર્ક બનાવવા જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ રજુઆત કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ જણાવ્યું છે કે, એ- ગ્રેડની કહેવાતી મોરબી નગરપાલિકા હાલ પૈસાના અભાવે પ્રજાને પ્રાથમિક સુવિધા આપી શકે તેવી હાલતમાં નથી. હાલમાં મોરબી નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડીને જે નંદીઘરમાં રાખવામાં આવતા હતા તે અબોલ આખલાઓને હાલ અન્ય ગૌશાળા અને પાંજરાપોળમાં મૂકવાનુ નક્કી કરતા નંદીઘરની કીમતી પાલિકાની જમીન ખાલી થયેલ છે.
આ સંજોગોમાં નંદીઘરની જગ્યા કોઈ વગદાર વ્યક્તિ પોતાના કબજામાં લે અથવા તો કોઈ વ્યક્તિ કે સંસ્થાને ટોકન દરે ભાડા પેટે અહીં કબજો જમાવે તે પહેલા મોરબી શહેરની પ્રજાના હિતમાં નગરપાલિકા વીજ બિલમાં રાહત મેળવી શકે તે માટે અહીં સોલાર પ્લાન્ટ બનાવી નગર પાલિકા પાવર ઉત્પાદ કરે તો નગરપાલિકાને ઘણો મોટો આર્થિક ફાયદો થઈ શકે તેમ હોવાનું જણાવી ગૌચરની જમીનો ભાડેપટ્ટે અપાય બાદ ખવાઈ જાય છે તેમ અહીંની કિંમતી જમીન ઉપર કોઈ કબ્જો ન જમાવે તેવી રજુઆત કરી છે.