સિવીલ હોસ્પિટલમાં જ પાંચ દિવસમાં ડેન્ગ્યુના ૪૧કેસ નોંધાયા છતાં કોર્પોરેશનની આરોગ્ય શાખા રોગચાળાના સાચા આંકડા છુપાવતી હોવાનો પર્દાફાશર
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યશાખા રોગચાળાના સાચા આંકડાઓ છુપાવતી હોવાની શહેરીજનો શંકા વધુ એક વખત સાચી ઠરી છે. આરોગ્ય શાખા દ્વારા ગઈકાલે ડેન્ગ્યુના જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તે સદંતર જુઠ્ઠા હોવાનો પર્દાફાશ થયો છે. શહેરમાં ડેન્ગ્યુના ૨ જ કેસ હોવાનું જાહેર કરાયું છે ત્યારે વાસ્તવમાં સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસ દરમિયાન ડેન્ગયુના અધધ ૪૧ કેસો નોંધાયા હોવાનું પ્રકાશમાં આવ્યુંછે. જેમાં ૨ વોર્ડમાં ૪ થી વધુ કેસ હોવાનું બહાર આવ્યું છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ગઈકાલે શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નોંધાયેલા રોગચાળાના આંકડાનો સાપ્તાહિક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં ડેન્ગ્યુના માત્ર ૨ જ કેસ હોવાનું જાહેર કરાયું છે. પ્રથમ નજરે જ શંકાસ્પદ લાગતો આ આંકડો વાસ્તવમાં સદંતર ખોટોહોવાનું પુરવાર થઈ ગયું છે. કારણકે સિવિલ હોસ્પિટલમાં છેલ્લાપાંચ દિવસ દરમિયાન ડેન્ગ્યુ તાવના ૨ નહીં પરંતુ ૪૧ કેસો નોંધાયા છે. આ માત્ર સિવિલનો જ આંકડો છે. શહેરની અલગ-અલગ ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાંથી આંકડા એકત્ર કરવામાં આવે તો ડેન્ગયુ તાવનો ફીગર ૩ અંકોને પાર થઈ જાય તેવી દહેશત જણાઈ રહી છે.
ગત ૮મી ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૬ કેસ, ૯મીના રોજડેન્ગ્યુના ૪ કેસ, ૧૦મીના રોજ ડેન્ગ્યુના ૨૯ કેસ, ૧૨મીના રોજ ડેન્ગ્યુના ૪ કેસ સહિત કુલ ૫ દિવસમાં ૪૧ કેસ નોંધાયા છે.જેમાં શહેરના વોર્ડ નં.૭માં પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં કલ્પ સંઘવી નામના દર્દી, વોર્ડ નં.૧૪માં લલુડી વોકળી પાસે શકિત બિંદુત, વોર્ડ નં.૧૭માં મીનાક્ષી સોસાયટી મેઈન રોડ પર નિતીનભાઈ જોશી અને આર્યનગર સોસાયટીમાં યતિનભાઈ કણસાગરા નામના વ્યકિતને ડેન્ગ્યુ હોવાનું કન્ફોર્મ થઈ ગયું છે.
સામાન્ય રીતે ડેન્ગ્યુ તાવનો રોગચાળો ચોમાસાની સીઝન દરમિયાન પાણી ભરાયેલું રહેતું હોવાના કારણે મચ્છરોના ત્રાસના લીધે ફેલાતો હોય છે પરંતુ આશ્ર્ચર્ય વચ્ચે ચાલુ સાલ શિયાળાની સીઝનમાં પણ માત્ર પાંચ દિવસમાં જ ડેન્ગ્યુના ૪૧ કેસો મળી આવ્યા છે. જોકે મહાપાલિકાના ચોપડે ચાલુ સપ્તાહે ડેન્ગ્યુના ૨ જ કેસો નોંધાયા હોવાનું બોલાઈ રહ્યું છે.