વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો સનસનીખેજ આક્ષેપ
દેશભરમાં શૌચાલય બનાવવામાં ગુજરાત અગ્રેસર હોવાનો દાવો રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકારી કચેરીઓ દ્વારા જ શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને ૨૫૪ કરોડ રૂપિયાનું કમિશન સરકારમાં એક જ વર્ષમાં લેવામાં આવ્યું છે.
કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અહીં બેઠેલા ધારાસભ્યો પોતાના વિસ્તારમાં તપાસ કરાવશે તો એક શૌચાલય પાછળ ઓછામાં ઓછા બે હજાર રૂપિયા કચેરીઓ કમિશન પેટે લે છે. સરકારે એક વર્ષમાં ૧૨,૭૪,૦૦૦ શૌચાલયો બનાવ્યા છે તે રીતે ૨૫૪ કરોડ રૂપિયાનું કમિશન સરકારમાં એક જ વર્ષમાં ખાલી શૌચાલયમાંથી લેવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં અનેક જિલ્લામાં મનરેગા હેઠળ અન્ય કામ બંધ કરી દઇને ફ્કત શૌચાલય બાંધવા પાછળ જ પૈસા વાપરવામાં આવ્યા છે. ૧૨૦૦૦ રૂપિયાના શૌચાલયમાં ૮૦૦૦ રૂપિયા મટિરીયલ ખાતે વપરાય છે અને ૪૦૦૦ રૂપિયા લેબર ખાતે વપરાતા હોય તો પણ મનરેગાના પૈસાના બદલે સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી જ તૈ બનાવવા જોઇએ. તે સાથે વિવિધ જિલ્લાને જાહેર શૌચક્રિયાથી મુક્ત કરવાની હરીફાઇ ચાલી રહી છે. પરંતુ તે કાગળ પર જ હોય છે અને સરકારી અધિકારીઓને એવોર્ડ લેવો હોય કે પછી સરકારને પ્રસિદ્ધી લેવી હોય તો વાસ્તવમાં ન બન્યા હોય તો પણ તેવું કરવા દબાણ કરવામાં આવે છે. જેના કારણે હલકી ગુણવત્તાવાળા અને ભ્રષ્ટાચારયુક્ત શૌચાલયો ગુજરાતમાં બની ગયા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસના કરમશીભાઇ પટેલે જણાવ્યું હતું કે, લેન્ડ કમિટી દ્વારા પહેલા ગરીબોને ૧૦૦ વારના પ્લોટ આપવામાં આ્વતા હતા તે બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી પડતર જમીન આપવામાં આવતી હતી તે ગરીબ ખેડૂતને આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.