ઉંદરે વાયર કાપી નાખતા સેન્ટ્રલ ઝોન કચેરીમાં ૨ કલાક જન્મ-મરણનાં દાખલા કાઢવાની અને વેરા વસુલાતની કામગીરી બંધ રહેતા ભારે દેકારો
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે સવારે ઉંદરડાએ કેબલ કાપી નાખતા સર્વર ઠપ્પ થઈ જવા પામ્યું હતું. જેનાં કારણે જન્મ-મરણનાં દાખલા કાઢી આપવા અને વેરો સ્વિકારવા સહિતની મોટાભાગની કામગીરી બંધ રહેવા પામી હતી. અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. સતત અઢી કલાક સુધી કોમ્પ્યુટર બંધ રહેતા ભારે દેકારો બોલી ગયો હતો.
આજે સવારે સેન્ટ્રલ ઝોન કચેરીમાં સર્વર ઠપ્પ થવાના કારણે એક પણ કોમ્પ્યુટર વર્ક થઈ શકયું ન હતું. આજે બુધવારનો દિવસ હોવાનાં કારણે કારખાનાઓમાં રજા રહેતી હોય છે જેથી જન્મ-મરણનાં દાખલા કઢાવવા માટે અરજદારો મોટી સંખ્યામાં કોર્પોરેશનની કચેરીએ આવતા હોય છે. હાલ વેરામાં પણ વળતર યોજના ચાલી રહી છે જેના કારણે કરદાતાઓની સંખ્યા પણ વધુ માત્રામાં રહેતી હોય છે.
ગઈકાલે લોકસભાની ચુંટણીનાં મતદાનનાં કારણે જાહેર રજા હોય આજે મોટી સંખ્યામાં અરજદારો કોર્પોરેશન કચેરીએ ઉમટી પડયા હતા પરંતુ સર્વર ઠપ્પ હોવાનાં કારણે જન્મ-મરણનાં દાખલા કાઢી આપવા કે વેરો સ્વિકારવા સહિતની મોટાભાગની કામગીરી બંધ રહેતા લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. સતત બે કલાક સુધી ટેકનિકલ નિષ્ણાંતોએ ફોલ્ટ શોધવા માટે મજુરી કરી છતાં ફોલ્ટ મળ્યો ન હતો. જેથી કેટલાક અરજદારોને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. મહામહેનતે અંતે ૧૨:૩૦ કલાકે સર્વર ચાલુ થતાં મોટાભાગની કામગીરી શરૂથઈ શકી હતી.