જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાઠોડની મુખ્યમંત્રીને રજૂઆત
ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીના કેન્દ્રો મારફત ખરીદી પ્રક્રીયા શરૂ કરવામાં આવે છે. પણ આ પ્રક્રીયામાં ખેડૂતોના રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને કેન્દ્ર તરફથી કોઈ આધાર મળતો નથી અને લોલમલોલ ચલાવીને સ્તરથી ગુણવત્તાના ખેડૂતો તેમને મેસેજ કરી બોલાવવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. અને સરકારના કે તંત્રના કોઈ મળતીયા જીનીંગ મીલના માલિકો આ પરિસ્થિતીનો લાભ લઈ જીનીંગ મીલવાળા તેમજ વેપારીઓ ગામડાઓમાં જઈ રૂ. ૭૦૦-૮૦૦ના ભાવે ખેડૂતો પાસેથી કપાસ ખરીદી કરી ટેકાના ઉંચા ભાવે કેન્દ્રમાં વેચાણ કરી તગડો નફો કમાઈ રહ્યા છે. આમ તો આ પ્રક્રીયામાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ જામનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે ખરેખર તો ખેડૂતોની મગફળીના પાકનું જે રીતે ગ્રામપંચાયતોમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તેવી જ પદ્ધતિ કપાસ ખરીદીમાં પણ અમલ મુકવાની જરૂર છે. ઓનલાઈન પ્રક્રીયાના બદલે માત્ર ફોન પર જ નામ નોંધાવી દેવાની સિસ્ટમના કારણે ખેડૂતોને ભારે અન્યાય થઈ રહ્યો છે.
હાલ ચાલી રહેલી કપાસ ખરીદીની પ્રક્રિયામાં કેન્દ્રો પર ગોઠવેલા સીસી કેમેરાના ફૂટેજ જોવામાં આવે તો આ કૌભાંડની વિગતો સામે આવી શકે તેમ છે. સમગ્ર બાબતમાં કડક તપાસ કરી કડક પગલા ભરવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે માંગણી કરી છે.
ચણાની ખરીદી શરૂ કરવા માંગણી
તેમણે જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી પુન:શરૂ કરવા માંગણી કરી છે. હાલ કોરોના વાયરસના કારણે ચણાની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. ૧૫ જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તો ચણાના જથ્થાને નુકસાન થવાની ભીતિ છે.
આથી દરેક ગામ દીઠ કે ચાર-પાંચ નાના ગામડા વચ્ચે કેન્દ્ર શરૂ કરી ખરીદી કરવામાં આવે અને સાવચેતીના તમામ નિયમોનું પાલન થાય તો ખેડૂતો આસાનીથી ચણાનું વેચાણ કરી શકશે.
જામનગર જિલ્લામાં દરેક એપીએમસીમાં જે રજિસ્ટ્રેશન પ્રક્રીયા થઈ છે તેમાં પણ પાછલા બારણેથી કોમ્પ્યુટરમાં ચેડા કરીને વચેટીયા અને મામકાઓના જ રજિસ્ટ્રેશન થયા છે.
આ પ્રક્રિયા પણ ઝડપી અને પારદર્શી બને અને ખેડૂતોને ટેકાના ભાવે ચણા વેચવામાં સરળતા રહે તેવી વ્યવસથા ગોઠવવા તેમણે માંગણી કરી છે.