૮ લાખથી વધારેની કિંમતનો ૫૩૬૫ કિલો કોકોનેટ ઓઈલનો જથ્થો સીઝ કરતું કોર્પોરેશન

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ગોંડલ રોડ પર રેલવે બ્રીજ, રીંગ રોડ નીચે રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી નજીક પિયુષભાઈ હરસોડાના શ્રી સરલ ફુડ પ્રોડકટ માંથી લેવામાં આવેલા ખાદ્ય કોકોનેટ ઓઈલમાં હાનિકારક મીનરલ ઓઈલની ભેળસેળ કરવામાં આવતા હોવાનું પરીક્ષણમાં જાહેર થતા ત્રણ નમુના નાપાસ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન ૮ લાખથી વધારે કિંમતનો ૫૩૬૫ કિલો કોકોનેટ ઓઈલનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ગત ૯ ફેબ્રુઆરીના રોજ મળેલી ફરિયાદના આધારે રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી પાસે શ્રી સરલ ફુડ પ્રોડકટમાંથી કોકોનેટ ઓઈલ લુસ, વિરાસર કોકોનેટ ઓઈલ અને લુસ કોકોનેટ ઓઈલ સહિતના ત્રણ નમુના લેવામાં આવ્યા હતા અને તેમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા જતા ત્રણેય સેમ્પલ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી ‚ા.૮,૮૪,૨૪૦ની કિંમતનો ૫૩૬૫ કિલો કોકોનેટ ઓઈલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

તેઓએ ઉમેર્યું હતું કે, પરીક્ષણનો રીપોર્ટમાં ત્રણેય નમુના નાપાસ થયા હોવાનું જાહેર કરાયું છે. લુસ કોકોનેટ ઓઈલમાં મીનરલ ઓઈલની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. મીનરલ ઓઈલ આરોગ્ય માટે ખુબ હાનિકારક છે. આ ઉપરાંત વિરાસત કોકોનેટ ઓઈલના ૧ લીટરનું પેક સબ સ્ટાન્ડર્ડ અને અનસેઈફ જાહેર કરવામાં આવ્યું હતું. નમુના ફેઈલ થતા હવે કોર્ટ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.