મહિલા પરિપક્વતા ધરાવતી હોય અને સંબંધોના પરિણામ જાણતી હોવા છતાં શારીરિક સંબંધનઇ મંજૂરી આપે તો દુષ્કર્મ ગણાય નહીં : સુપ્રીમ કોર્ટ
દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું છે કે, સ્ત્રી અને પુરુષ વચ્ચે ‘સમજણપૂર્વક’ બંધાયેલા સહસંબંધને બળાત્કાર તરીકે ખપાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના આ અવલોકનની અસર અનેક કેસોમાં થનારી છે. ઘણીવાર સ્ત્રી અને પુરુષ પાત્રો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવતી હોય છે ત્યારે સુપ્રીમ કોર્ટનું અવલોકન આ પ્રકારના કેસોમાં લેન્ડરમાર્ક સમાન સાબિત થશે.
હાલ દિન પ્રતિદિન સમાજ વ્યવસ્થા સામે પડકાર ઉભો થતો જઈ રહ્યો છે. સ્ત્રી અને પુરુષ પાત્રો સમજણપૂર્વક એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધતા હોય છે. આ સંબંધ બંધાયા પૂર્વે જો કોઈ પણ જાતના વચન કે વાયદા ન આપવામાં આવ્યા હોય તેમ છતાં પણ શારીરિક સંબંધ બંધાયો હોય તો તેને સમજણપૂર્વકના શારીરિક સંબંધ માનવામાં આવે છે અને આ પ્રકારના સંબંધોને બળાત્કારમાં ખપાવી શકાય નહીં તેવું સુપ્રીમ કોર્ટએ નોંધ્યું છે.
સુપ્રીમ કોર્ટએ એક મામલામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. પરસ્પર સહસંમતિથી બનેલા શારીરિક સંબંધોના અપરાધીકરણને નામંજૂર કરતા સુપ્રીમ કોર્ટે દિલ્હી કોર્ટ અને હાઈકોર્ટએ દોષિત ઠેરવેલા પુરુષને લગ્નના વચન પર એક પરિણીત મહિલા પર બળાત્કાર કરવા બદલ નિર્દોષ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, પરસ્પર બંને પાત્રો પરિણીત હોય તેવું બંનેને ખ્યાલ હોવા છતાં શારીરિક સંબંધ બંધાયો હતો તો પછી પુરુષે લગ્નનો વાયદો કરીને શારીરિક સંબંધ બાંધ્યો હતો તેવું માની શકાય નહીં.
દિલ્હીના રહેવાસી નઇમ અહમદને દિલ્હી હાઇકોર્ટ દ્વારા સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેને જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચ દ્વારા બળાત્કારના આરોપમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. સુપ્રીમે શરતોનું વિશ્લેષણ કર્યું હતું કે, એક માન્યતા હેઠળ ‘સંમતિ’ અને ‘ખોટા વચન’ જેવા વિવિધ કારણોસર સહમતિથી બંધાયેલા શારીરિક સંબંધોમાં તિરાડ પડ્યા પછી અમુક સ્ત્રીઓ દ્વારા બળાત્કારના આરોપ લગાવવામાં આવે છે.
મહિલા તરફથી હાજર થતાં વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંગે જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે યોગ્ય તારણ કાઢ્યું છે કે અહેમદ સાથેના જાતીય સંબંધ માટે તેણીની સંમતિ એ ખોટી માન્યતા હેઠળ હતી કે આરોપી તેની સાથે લગ્ન કરશે. જે વચન આરોપી દ્વારા અપૂરતું ઈરાદા સાથે આપવામાં આવ્યું હતું. સામા પક્ષે આરોપીના વકીલ રાજ કે ચૌધરીએ જણાવ્યું હતું કે તે મહિલાની તગડી રકમની માંગણી પૂરી કરી શકતો ન હોવાથી બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ચુકાદો લખતા જસ્ટિસ ત્રિવેદીએ કહ્યું હતું કે, મહિલાએ જે રીતે પોતાની જુબાની આપી છે તેને અને બળાત્કારના આરોપ બંને વિરોધાભાસી છે. તેમણે નોંધ્યું હતું કે, પરિણીત મહિલા મહિલાને પુરુષ પણ પરિણીત હતો તેની જાણ હતી. મહિલા ત્રણ બાળકોની માતા છે તેમ છતાં તેણે શારીરિક સંબંધ માટે મંજૂરી આપી હતી. મહિલા પરિપક્વ હતી અને પરિણીત હોવા છતાં અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તેણીએ જયારે મંજૂરી આપી ત્યારે તેને નૈતિક અને અનૈતિક પરિણામો સમજવા માટે પણ પરિપક્વ હતી. જેથી આ સંબંધને બળાત્કાર તરીકે લહપાવી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટએ અહમદને બળાત્કારના આરોપોમાંથી મુક્ત કર્યો હતો પરંતુ ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટએ તેમને તેમના વ્યભિચારી સંબંધો દ્વારા જન્મેલા બાળકની દેખરેખ માટે મહિલાને રૂ. ૫ લાખ ચૂકવવા માટેના આદેશને સમર્થન આપ્યું હતું.
શારીરિક સંબંધ સમયે સ્ત્રી પાત્રની પરિપક્વતા ધ્યાને લેવી અતિ જરૂરી: કમલેશભાઈ શાહ
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી કમલેશભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણા ખરા કિસ્સાઓમાં આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે. જેમાં સ્ત્રી અને પુરુષ પાત્રો વર્ષો સુધી સંબંધ ધરાવતા હોય છે અને ત્યારબાદ સંબંધમાં ખટાશ આવતા સ્ત્રી પાત્ર દ્વારા દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવે છે પરંતુ જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હોય ત્યારે સ્ત્રી પાત્ર સંબંધને મંજૂરી આપવા માટે પરિપક્વ હતી કે કેમ? તે બાબત ધ્યાને લેવી જરૂરી છે.
મહત્વપૂર્ણ બાબત છે કે, જો સ્ત્રી પાત્ર શારીરિક સંબંધની મંજૂરી આપતી વેળાએ પરિપક્વ હોય તો આ સંબંધોને દુષ્કર્મ તરીકે ખપાવી શકાય નહીં. ઘણી વાર બંને પાત્રોની સમજણ અને સહમતિથી શારીરિક સંબંધ બંધાયા બાદ પુરુષ પર જ્યારે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવે છે ત્યારે તેની સામાજિક છબીને ખૂબ નુકસાની સર્જાતી હોય છે ત્યારે કોર્ટે આ પ્રકારના કિસ્સાઓમાં સ્ત્રી પાત્રની પરિપક્વતાને ધ્યાને રાખવું અતિ મહત્વપૂર્ણ છે.
પરિપક્વ સ્ત્રીની મંજૂરીથી બંધાયેલા શારીરિક સંબંધને દુષ્કર્મ ગણી ન શકાય : ભાવિનભાઈ દફ્તરી
નામાંકિત ધારાશાસ્ત્રી ભાવિનભાઈ દફ્તરીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલામાં મહિલા પરિણીત હતી અને સામે પુરુષ પાત્ર પણ પરણીત હતો. મહિલાને અગાઉથી સંતાન પણ હતા તેમ છતાં તેણે અન્ય પુરુષ સાથે સંબંધ રાખ્યો હતો. જેની ઉપરથી ફલિત થાય છે કે મહિલા પોતે પરિપક્વ હતી અને પરિપક્વ હોવા છતાં મહિલાએ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
પોતાના લગ્ન જીવનનો ત્યાગ કર્યો અને ત્યારબાદ મહિલાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા. પરંતુ પુરુષ પાત્રએ લગ્નની ના પાડતા મહિલાએ ફરિયાદ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું છે કે, પરિણીત સ્ત્રીએ જયારે શારીરિક સંબંધની મંજૂરી આપી ત્યારે પરીપક્વ હતી જેથી પરિપક્વતાથી બંધાયેલા શારીરિક સંબંધને દુષ્કર્મ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહીં.