બન્ને જિલ્લાઓમાં સફળતાપૂર્વક પાયલોટ પ્રોજેક્ટની અમલવારી બાદ બાકીના જિલ્લામાં પણ ઝડપથી રિ-સર્વેની ક્ષતી દુર કરવા અભિયાન શરૂ કરાશે
જમીન માપણી દરમિયાન રહેલી ક્ષતીઓ દુર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રિ-સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારબાદ રાજ્ય ભરમાં અમલ કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જમીન માપણીમાં ક્ષતિ સુધારણા માટેના સરકારના પાયલોટ પ્રોજેક્ટની જાણકારી આપતા જણાવ્યું છે કે, સરકારે ખેડૂતોને પડતી રી-સર્વે દરમિયાનની જે ક્ષતિઓ માલુમ પડી અને જેમણે વાંધા આપ્યા છે, ગુજરાતભરમાંથી એવા વાંધા આવ્યા હતા અને એ વાંધાઓના સુધારણા માટે ઝડપી અમલ થાય ઝડપથી એ લોકોની મુશ્કેલીઓનું નિવારણ થાય એના માટે જામનગર અને દેવભૂમિ દ્વારકાથી પાયલોટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે.
તેમણે કહ્યું કે, આ બંને જિલ્લામાં સફળતાપૂર્વક પાયલોટ પ્રોજેક્ટનો અમલ કર્યા પછી બાકીના જિલ્લાઓમાં પણ ઝડપથી રી-સર્વેમાં પડેલી ક્ષતિઓ અને મુશ્કેલીઓનો ઝડપથી નિકાલ આવે એના માટે રાજ્ય સરકારે શરૂઆત કરી છે.
તેમણે કહ્યું કે, વાતનું તાત્પર્ય રિસર્વે રદ કર્યો છે એવું ક્યારેય ન હતું. માત્ર રી-સર્વે દરમિયાન સરકારને મળેલી ક્ષતિઓના નિવારણ માટે અને ખેડૂતોને પડતી, પ્રોપર્ટી ધારકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ પાયલોટ પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો છે. આવતા સમયમાં શક્ય હોય એટલું વહેલા સમગ્ર ગુજરાતની અંદર મળેલી ક્ષતિઓ, વાંધાના ઝડપથી નિકાલ આવે એના માટે આ પાયલોટ પ્રોજેક્ટથી શરૂઆત કરી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.
જમીન માપણી અંગેની રી સર્વેની કાર્યવાહીમાં અનેક ખામીઓ હોવાની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવતા સુધારાઓ માટે ફરીથી નવેસરથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જામનગર જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે દેશ અને રાજ્યમાં પ્રથમ રિસર્વે હેઠળ દરેક જમીનોની માપણી થઈ રહી હતી. પરંતુ જમીનમાં અનેક ખામીઓ જોવા મળતી હતી. જે પછી ખેડૂતોની રજૂઆતને પગલે ફરીથી રિસર્વે કરવામાં આવતો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલ પાસે ખેડૂતોની અનેક ફરિયાદો આવતાં રાજ્ય સરકારના રિસર્વેમાં ખામીઓ રહેતાં હવે સરકાર ફરીથી પાઈલટ પ્રોજેક્ટ તરીકે નવેસરથી સર્વે કરાવશે.
ભારત સરકારની જમીન મહેસૂલ રેકર્ડ અદ્યતન કરવાની યોજના હેઠળ ગુજરાત રાજ્યના પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા અને જામનગર જીલ્લો પસંદ કરવામાં આવેલ અને આ રી સર્વેની કામગીરીનો મુખ્ય ઉદ્દેશ કબજેદારોની જમીનની Accurate માપણી થાય, દરેક સર્વે નંબરની જમીનના નકશા આપવામાં આવે અને રેકર્ડ અદ્યતન કરવાનો હેતુ છે.
જમીનના સર્વે અને સેટલમેન્ટની કાયદાકીય જોગવાઈઓ જમીન મહેસૂલ અધિનિયમના પ્રકરણ-8 અને 8-એ અને 9 માં આપવામાં આવેલ છે અને જેનો કલમ-95 થી 125 સુધી સમાવેશ થાય છે આ કાયદાની જોગવાઇ મુજબ રાજ્ય સરકારને જમીનોનું સર્વે / રી સર્વે કરાવવા માટેની જોગવાઈ છે અને કલમ-117 ઈની જોગવાઇ મુજબ જે સેટમેન્ટ આકારણી કરવામાં આવે તેની મુદ્દ્ત 30 વર્ષ સુધીની હોય છે અને રાજ્ય સરકાર આમાં વખતો વખત મુદ્દ્તમાં વધારો કરી શકે છે.
મહાપાલિકા અને પાલિકા વિસ્તારમાં 50 હજાર આખલાઓનું કરાશે ખસીકરણ
રાજ્યમાં રખડતા-ભટકતા પશુઓનો ત્રાસ ઘટાડવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની આઠ મહાપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ ઉપરાંત 156 નગરપાલિકા વિસ્તારમાં 50 હજારથી વધુ આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. આખલા પ્રમાણમાં વધુ આક્રમક હોય છે. આખલા જ રાહદારીઓને ઢીંકે ચડાવતા હોય છે. આવામાં સરકાર દ્વારા પ્રથમવાર ગૌવંશનું ખસીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય ભરમાં મહાપાલિકા અને પાલિકા વિસ્તારમાં આખલાનું ખસીકરણ શરૂ કરવામાં આવશે.