ગેરકાયદેસર બાંધકામ સામે ભાજપના કોર્પોરેટરે કમિશનરને પત્ર પાઠવ્યો
જુનાગઢ મનપામાં ગેરકાયદેસર બાંધકામની જાણે વણઝાર લાગી છે કોર્પોરેશનના અધિકારીઓ,રાજકીય આગેવાનો અને બિલ્ડરોની રીતસરની કઠપુતળી થઈ ગયા છે. શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા તેમજ થઈ રહ્યા છે છતાં કોઈ સતાધીશનું પેટનું પાણી હલતું નથી.
તાજેતરમાં જ વોર્ડ નં.૧૨માં પંચહાટડી ચોક નજીક થઈ રહેલા બાંધકામ માટે સ્થાનિક કોર્પોરેટરે કમિશનરને પત્ર લખી આ બાંધકામ ગેરકાયદેસર હોય જાણી જોઈને તેમની સામે આંખ મીચામણા થઈ રહ્યા હોવાના આક્ષેપવાળો પત્ર કમિશરને પાઠવ્યો હતો ત્યારે આ ઘટનાથી વાકેફ બુદ્ધિ જીવીઓ શહેરમાં અન્ય બિન કાયદેસર ચાલતા બાંધકામો તેમજ આ વોર્ડમાં પણ ખડકાયેલા આવા બાંધકામો નગરસેવકોને કેમ દેખાતા નથી તેવો હાસ્યાસ્પદ સવાલ લોકોમાં હાસ્ય સાથે આશ્ચર્યની લાગણીથી ઉઠવા પામ્યો હતો.
આ અંગે વિસ્તૃત અહેવાલ મુજબ જુનાગઢમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામનો મુદો ફરી લોકોની ચર્ચાએ ચડયો છે. શહેરમાં લાંબા સમયથી અનલીગલ બાંધી કામો થઈ રહ્યા છે જેની સામે મનપાના જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર નોટીસો આપવા સુધીની જ કામગીરી કરવામાં આવે છે. બાદમાં આવા બાંધકામ સામે જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે. આ અંગે વોર્ડ નં.૧૨ના ભાજપના કોર્પોરેટર નિર્ભયભાઈ પુરોહિતે મનપાના કમિશરને પાઠવ્યો છે.
પત્રમાં જણાવ્યું છે કે, આવું જ એક ગેરકાયદેસર બાંધકામ વોર્ડ નં.૧૨માં માલીવાડા રોડ ઉપર પંચહાટડી ચોક નજીક થઈ રહ્યું છે. આ બાંધકામને ખુદ બાંધકામ શાખાના ઈજનેર છાવરી રહ્યાનો સનસની ખેજ આક્ષેપ કરી આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
દરમિયાન આ અંગે બાંધકામ શાખાના ઈજનેરનો સંપર્ક કરતા તેમણે દબાણ શાખાને કાર્યવાહી કરવા આદેશ કર્યો હોવાનું જણાવ્યું હતું. જયારે દબાણ શાખાના અધિકારી ભરત ડોડીયાએ જણાવ્યું હતું કે,પાયો ખોદવાથી લઈને પ્લીન્થ ભરવા સુધીની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે ૨૬૦ (૨)ની નોટિસ આપી બાંધકામ અટકાવી દીધું છે ત્યારે આખી ઘટનાને લઈ લોકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ તેમજ આધારભુત સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામનો ખડકલો થઈ ચુકયો છે તેમજ ચાલી રહ્યો છે તો નગર સેવક આ એક બાંધકામ સામે બાયો ચડાવતા લોકોમાં હાસ્ય સાથે ચર્ચાનો માહોલ ઉઠવા પામ્યો છે.