છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ચિકનગુનિયાનો એક પણ કેસ ન નોંધાયો: ડેન્ગ્યુના ૬ અને મેલેરિયાના ૨ કેસો મળી આવ્યા
શહેરમાં ગલીએ-ગલીએ ચિકનગુનિયાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. દવાખાનાઓ દર્દીથી ઉભરાય રહ્યા છે છતાં કોર્પોરેશનની જાદુગરી કરામતના કારણે છેલ્લા એક સપ્તાહમાં ઓન રેકોર્ડ ચિકનગુનિયાનો એક પણ નવો કેસ ન નોંધાતા ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે તો બીજી તરફ ડેન્ગ્યુના ૬ અને મેલેરિયા તાવના ૨ કેસ મળી આવ્યા છે.
મહાપાલિકાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય શરદી, ઉધરસ અને તાવના ૨૪૮ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૫૩ કેસ, ટાઈફોઈડ તાવના ૪ કેસ, ડેન્ગ્યુના ૬ કેસ, મરડાના ૧૦ કેસ, મેલેરિયાના ૨ કેસ, કમરાના ૩ કેસ અને અન્ય તાવના ૧૬ કેસો મળી આવ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં હજી ચિકનગુનિયાના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે છતાં મહાપાલિકાએ જાણે શહેરમાં જાદુઈ લાકડી ફેરવી દીધી હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ચિકનગુનિયાનો ઓન રેકોર્ડ એક પણ નવો કેસ નોંધાયો નથી.
શિયાળાની સીઝનમાં રોગચાળાએ માથુ ઉંચકતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૩ રેકડી, ૧૨ દુકાન, ૧૪ ડેરીફાર્મ, ૧૫ હોટલ અને રેસ્ટોરન્ટ, ૧૨ બેકરી તથા ૨૧ અન્ય સ્થળ સહિત કુલ ૮૭ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪ આસામીઓને નોટિસ ફટકારી ૯૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૭૦,૭૩૭ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. ૨૩૪૯ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. શાળા-કોલેજ, હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૧૫૯ સ્થળોએ ચેકિંગ અંતર્ગત મચ્છરની ઉત્પતિ સબબ ૮૬ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી.