કટક-બટક બ્રાન્ડ ફરાળી ફુલવડીનો નમુનો પરીક્ષણમાં નાપાસ
શહેરમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે ત્યારે ખોરાકજન્ય અને પાણીજન્ય રોગચાળાને વકરતો અટકાવવા માટે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ શાખા દ્વારા ફરસાણનાં વેપારીઓને ત્યાં વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ૨૪ સ્થળોએથી મોતીચુરનાં લાડુ તથા ગુલાબજાંબુનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કટક-બટક બ્રાન્ડ ફરાળી ફુલવડીનો નમુનો નાપાસ જાહેર કરાયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા આજે શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે જય બાલાજી ગૃહ ઉધોગ, બજરંગવાડીમાં સહજાનંદ સ્મૃતિમાં ઓમ ગૃહ ઉધોગ, નારોડાનગર કોર્નર ન્યુ સુર્યોદય સોસાયટીમાં શિવશકિત ગૃહ ઉધોગ, હુડકોમાં તીરૂપતી સોસાયટીમાં સાક્ષી ગૃહ ઉધોગ અને કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે ગજાનંદ સોનપાપડીમાંથી લુસ મોતીચુરનાં લાડુનાં નમુના લેવામાં આવ્યા હતા. જયારે લીંબડા ચોકમાં શ્રી ગુરૂકૃપા પેંડાવાલામાંથી ચુરમાનાં લાડુ, ગાંધીગ્રામમાં અરીહંત જાંબુ એન્ડ ખાજલી, નેમીનાથ સોસાયટી પાસે લક્ષ્મી જાંબુ, શેઠ હાઈસ્કુલ સામે વાણીયાવાડીમાં ક્રિષ્ના જાંબુ, ગુરૂકૃપા જાંબુ, શ્રીજી જાંબુ, શિવહરી જાંબુ અને ગાંધીગ્રામમાં શિવ જાંબુ તથા મહાદેવવાડીમાં નવરંગપરા વિસ્તારમાં શ્રદ્ધા જાંબુમાંથી લુઝ ગુલાબજાંબુનાં જયારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ સર્કલ પાસે રવેચી હોટલમાંથી લુસ ભેંસનાં દુધનો નમુનો લઈ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
આરોગ્ય શાખા દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર મહાદેવ માર્કેટીંગ નામની પેઢીમાંથી કટક-બટક બ્રાન્ડ ફરાળી ફુલવડીનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં બેચ નંબર તથા ન્યુટ્રીશીયન વેલ્યુ બતાવવામાં આવી ન હોવાનાં કારણે નમુનો પરીક્ષણમાં નાપાસ જાહેર કરાયો છે.