એજન્સી મારફત કામ કરાવવાનું શરૂ, અનુકુળ આવશે તો પોતિકુ મશીન પણ વસાવશે: હાલ રેસકોર્સમાં પ્લાન્ટની સફાઈ
રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના બાગ-બગીચાઓ અને મુખ્ય માર્ગ પર વૃક્ષો અને ફૂલછોડની સફાઈ આધુનિક ફોગર મશીન દ્વારા કરવામાં આવ્યું છે. હાલ રેસકોર્સના બગીચામાં ફોગર મશીન દ્વારા પાણીનો છંટકાવ કરી ફૂલ-છોડની સફાઈ કરવામાં આવી રહી છે. જો અનુકુળ લાગશે તો મહાપાલિકા આવું મશીન વસાવી લેશે અને શહેરભરમાં વૃક્ષો અને ફૂલછોડની સફાઈ આધુનિક મશીન દ્વારા કરાવવામાં આવશે.
શહેરના મુખ્ય રાજમાર્ગો અને બાગ-બગીચામાં વૃક્ષો અને ફૂલછોડ પર ધુળ જામી જવાના કારણે ગ્રીનરીમાં ઝાખપ દેખાય છે. ગાર્ડન શાખા દ્વારા આવી ઝાખપને દૂર કરવા નવીનતમ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે અને અત્યાધુનિક ફોગર મશીન દ્વારા હાલ પ્લાન્ટની સફાઈ કરવામાં આવી રહી છે. આ ફોગર મશીન થકી પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેનાથી પ્લાન્ટેશનની ધુળ સંપૂર્ણપણે સાફ થાય છે અને જે પાણી નીચે ઉતરે છે તેનાથી ફૂલ છોડને પણ પુરતુ પોષણ મળી રહે છે. ટૂંકમાં પાણીના બગાડ વિના સફાય થાય છે. હાલ પ્રાથમિક તબક્કે એજન્સી મારફત ફોગર મશીન દ્વારા પ્લાન્ટેશનની સફાઈ કરાવવામાં આવી રહી છે અને એજન્સીને કામ મુજબ પૈસા ચૂકવવામાં આવી રહ્યાં છે. રેસકોર્સ બગીચામાં હાલ પ્લાન્ટેશનની સફાઈ ચાલી રહી છે અને હવે જરૂરીયાત જણાશે તો શહેરભરમાં ડિવાઈડર કે જ્યાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે ત્યાં આ મશીન દ્વારા ફૂલછોડની સફાઈ કરવામાં આવશે અને જો અનુકુળતા જણાશે તો કોર્પોરેશન પોતિકુ મશીન પણ ખરીદી લેશે.