વોર્ડ ઓફિસ તથા સિવિક સેન્ટરોમાં પાણીની વ્યવસ્થા ઉભી કરાશે: આરોગ્ય કેન્દ્રમાં પુરતી દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તાકીદ
ઉનાળાની ઋતુ શરૂ થઇ ચુકી છે ને આ પ્રારંભિક સમયગાળાથી જ ઊંચું તાપમાન અનુભવાઈ રહયું છે. ઉનાળા દરમ્યાન આકરા તાપને કારણે ઉભી થતી પરિસ્થિતિનો અસરકારકરીતે સામનો કરી જરૂરિયાતમંદ નાગરિકોને તબીબી સારવાર અને આશરો જેવી આવશ્યક સેવાઓ મળી રહે તેમજ પાણીજન્ય કે ખોરાક્જ્ન્ય રોગચાળો ના પ્રસરે તે માટે ઉપરાંત કદાચ આવા દર્દીઓ જો નોંધાય તો તેઓને તુર્ત જ તબીબી સારવાર મળી રહે તેવા આશયથી રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આયોજન કર્યું છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ વિષયમાં આરોગ્ય શાખા, ટી.પી., બાંધકામ, વોટર વર્કસ, તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ સાથે એક તાકિદની બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સમગ્ર ઉનાળા દરમ્યાન વહીવટી તંત્ર દ્વારા લેવાના થતા વિવિધ અટકાયતી પગલાઓ, સર્વેલન્સ અને રોગ નિયંત્રણની કામગીરીના અસરકારક અમલીકરણ માટે વિવિધ સૂચનાઓ સંબંધિત શાખાઓને આપી છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ બેઠકમાં અત્યંત ઊંચા તાપમાનને કારણે સર્જાતી પરિસ્થિતિ અને હિટ સ્ટ્રેસની લાક્ષણિકતાઓ તથા નાગરિકો પર થતી તેની અસર અંગે મહાનગરપાલિકાનાં અધિકારીઓ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરનાં નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં ગહન ચર્ચા કરી હતી.
સમગ્ર સ્થિતિનો અભ્યાસ અને ચર્ચા અનુસંધાને મ્યુનિ. કમિશનરે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓને આવરી લેતો હિટ એક્શન પ્લાન અમલમાં મુકવા ઉપરાંત એક્શન પ્લાનનું મોનિટરિંગ કરવા અંગે સંબંધિત અધિકારીશ્રીઓને આવશ્યક સૂચનાઓ આપી હતી.
કમિશનરે આ વિશે વધુ વાત કરતા એમ કહ્યું હતું કે, હિટ એક્શન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને તેનો ફૂડ વિભાગ, બાંધકામ શાખા, વોટર વર્કસ શાખા, ડ્રેનેજ શાખા, ટીપી શાખા, ગાર્ડન શાખા, પ્રોજેક્ટ શાખા, તેમજ સરકારી અને ખાનગી મેડિકલ ફિલ્ડ સાથે સંકલન કરવામાં આવી રહયું છે. હિટ વેવ અને તેની અસરોથી નાગરિકોને રક્ષણ મળી રહે તથા જરૂરિયાતના સમયે તેઓને તબીબી સારવાર, છાંયડા, આશરો, પીવાનું ઠંડું પાણી, વગેરે સેવા અને સુવિધાઓ મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે.
ઉપરાંત રાજકોટનાં નાગરિકોને હવામાન સંબંધી માહિતી અને અગાઉથી જ તાપમાન સંબંધી ચેતવણી આપતી આગાહીની જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો, સાથોસાથ નાગરિકોમાં પણ આ અંગે જાગૃતિ ફેલાય તે માટે વિશેષ પગલાંઓ લેવામાં આવશે. ઉનાળા દરમ્યાન શહેરમાં અને ખાસ કરીને સ્લમ એરિયામાં વસતા નાગરિકો ઉપર રાજકોટ મહાનગરપાલિકા સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને તેઓને આવશ્યક સેવાઓ ઉપલબ્ધ બની રહે. આ એક્શન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા એન.જી. ઓ. નો પણ સહયોગ લેવામાં આવશે.
પાણીના સોર્સની મેઈન ટાંકીઓની નિયમિત, સમયાંતરે સફાઈ સાથે પાણીના તમામ સ્ત્રોતોનું નિયમિત અને યોગ્ય માત્રામાં કલોરીનેશન સુનિશ્ચિત કરાવવું તથા ફ્રી રેસીડ્યુઅલ ક્લોરીન (આર.સી) ટેસ્ટની લોગબુક નિભાવવાનાં આવે તે સુનિશ્ચિત કરાવવા વોટર વર્કસ શાખાને સૂચિત કરવામાં આવેલ છે. પીવાના પાણીના તમામ સ્ત્રોતોની આજુબાજુ સ્વચ્છતાનું ઉંચું ધોરણ જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવા અને પાઈપ લાઈન તેમજ વાલ્વમાં લીકેજની જાણ થાય કે તુર્ત જ યુધ્ધના ધોરણે કાયમી દુરસ્ત થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
બરફ બનાવવાની ફેક્ટરીઓમાં બરફ બનાવવા માટે કલોરીનેશન યુક્ત સલામત પાણી વપરાય તેનો ચુસ્તપણે અમલ કરાવવા સંબંધિત શાખાને જણાવાયું છે. જાહેર જગ્યાઓએ અને હોટલ, રેસ્ટોરન્ટ, ચા-નાસ્તાની લારીઓ, પીવાના પાણીના પરબો, શેરડીના રસના કોલાઓ, પાર્લર વગેરે જગ્યાઓએ કલોરીનેશન કરેલું જ સલામત પાણી વપરાય અને વેંચવામાં આવતા ખાદ્ય પદાર્થો ઉધાડા અને વાસી ન હોય તેવી વ્યવસ્થા ગોઠવાવવા આરોગ્ય-ફૂડ અને અન્ય સંબંધિત શાખાને સૂચના આપવામાં આવી છે.
શાળા, કોલેજ જેવી જાહેર સંસ્થાઓમાં અને શહેરના પાણી સંગ્રહ સ્થાન (ટાંકી/ટાંકા) ની નિયમિત સાફ સફાઈ થાય તેની તકેદારી રાખી, ગંદકીવાળી તમામ જગ્યાઓની સફાઈ થાય અને જંતુનાશક દવાનો છંટકાવ કરાવવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય સંબંધિત શાખાને જણાવાયું છે. ઉભરાતી તેમજ લીકેજ હોય તેવી ગટર લાઈનો ત્વરિત દુરસ્ત / રીપેરીંગ કરવી, ગટરના મેઈન હોલમાંથી પસાર થતી પીવાના પાણીની પાઈપ લાઈનો જો હોય તો દુર કરવા બાંધકામ શાખા અને ડ્રેનેજ શાખાએ સંકલન કરી આવશ્યક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
ઝાડા, ઝાડા-ઉલ્ટીના રોગચાળાનાં સંજોગોમાં ઓ.આર.એસ. પેકેટનો ઉપયોગ થાય અને કલોરીનની ગોળીઓનું વિતરણ થાય અને વપરાશ સુનિશ્ચિત કરવા આરોગ્ય શાખા અને અન્ય સંબધિત શાખાને સૂચિત કરવામાં આવી છે. પાણીજન્ય રોગચાળાના કેસો નોંધાય કે તરત જ પ્રાથમિક સારવારની તેમજ વધુ સારવારની જરૂર જણાયતો સિવિલ હોસ્પિટલ ખાતે ત્વરિત સારવાર મળી રહે તે અંગેની વ્યવસ્થા કરાવવા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય કેન્દ્રમાં આવશ્યક પ્રમાણમાં જરૂરી દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા આરોગ્ય શાખાને જણાવાયું છે.
ધન કચરાના નિયમિત નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાવવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને જરૂરી સૂચના આપવામાં આવી છે. શહેરમાં જ્યાં જ્યાં વધુ જરૂરિયાત રહેતી હોય તેવા સ્થળોએ પીવા પાણી અને છાંયડાની વ્યવસ્થા કરી લોકોને તડકામાં રાહત આપવા આયોજન કરવામાં આવશે.