પ્રથમ દિવસે મહાપાલિકા અને બીજા દિવસે જિલ્લા પંચાયતો માટે નિર્ણય લેવાશે
રાજયની છ મહાનગર પાલિકા અને 31 જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામ નકકી કરવા માટે આગામી 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષ સ્થાને મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પ્રથમ દિવસે મહાપાલિકા અને બીજા દિવસે જિલ્લા પંચાયતો અંગે નિર્ણય લેવામાં આવશે.
છ મહાપાલિકાના મેયર સહિતચના પદાધિકારીઓની નિમણુંક કરવા માટે આગામી 11 અને 1ર સપ્ટેમ્બરના રોજ અલગ અલગ મહાપાલિકામાં જનરલ બોર્ડ બેઠક મળશે. 11મીએ અમદાવાદ, સુરત, વડોદરામાં બોર્ડ બેઠક મળશે. જયારે 1રમીના રોજ ભાવનગર, જામનગર અને રાજકોટ મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસકપક્ષના નેતા અને પક્ષના દંડક નકકી કરવા માટે બોર્ડ બેઠક મળશે.પાર્લામેન્ટી બોર્ડના પ્રથમ દિવસે 10મી ના રોજ છ મહાપાલિકાના નવા પદાધિકારીઓ નકકી કરવામાં આવશે જયારે 11મીના રોજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ફાઇનલ કરાશે.
સાતમ આઠમના તહેવારો આવતા હોવાના કારણે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મોડી મળશે તેવી સંભાવના છે. જોકે તમામ મહાપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની ઘોષણા જનરલ બોર્ડના દિવસે એક કલાક પૂર્વે કરાશે.