બજારોમાં વેચાતા હલકી ગુણવત્તાવાળા, કેમીકલ યુકત કલર વાપરવાના બદલે હર્બલ કલર વાપરવા
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રંગોના તહેવાર ધુળેટીની પ્રતીકાત્મક ઉજવણી કરવા, કુદરતી રંગોનો પ્રયોગ કરવા, રંગનું માત્ર તિલક કરવા, હસ્તધૂનન કરવા કે ભેટવાનું ટાળવા અને વારંવાર પાણી અને સાબુથી હાથ ધોવા સહિતની તકેદારીઓનું ચુસ્તપણે પાલન કરવાની ભલામણો
કરાઇ છે.
બજારમાં વેચાતા કેમીકલ ધરાવતાં કલરથી હોળી રમવાથી શરીરને નુકશાન થઇ શકે છે. કલરમાં આવતાં અતિ નાના કાચના ટુકડા આંખને અને શરીરની ચામડીને નુકશાન કરે છે. જે આંખની કીકીને નુકશાન પહોંચડતા દૃષ્ટિ નબળી પડે છે. ઉપરાંત કેમિકલ પેઇન્ટ પણ આંખને નુકશાન કરે છે. ચામડી સાથે કેમીકલયુક્ત કલર સંપર્કમાં આવતા એલર્જી, શરદી, દમનો એટેક આવી શકે છે. કેટલાય કિસ્સામાં કાયમી શારિરીક ખોડખાંપણ આવી જાય છે. હોળીમાં જેટથી વોટર કેનનથી ભાવિકો પર છંટાતા પાણીથી નુકશાન થઇ શકે છે.
જેમાં કાનના પડદાને નુકશાન થતાં કાયમી બહેરાશ આવી શકે છે. હોળીના કૃત્રિમ રંગોથી તમારા વાળને પણ ઘણું નુકસાન પહોંચે છે. આનાથી વાળ નબળા થઇ જાય છે અને તૂટવા લાગે છે. તેમજ વાળના મૂળમાં ખણ આવવી, એલર્જી થવી કે પછી મૂળમાં દાણા નીકળવા જેવી સમસ્યા પણ હોળીમાં દાખવવામાં આવતી બેદરકારીનું પરિણામ બની શકે છે.
કેટલાક લોકોની ત્વચા એટલી સંવેદનશીલ હોય છે કે તેમને હોળી (ધુળેટી) બાદ ત્વચાનું કેન્સર પણ થઇ જાય છે. હોળીના કૃત્રિમ રંગોથી તમારા નખ પણ નબળા થઇ શકે છે. એટલું જ નહીં નબળા નખ જલ્દી વધી શકતા નથી કે પછી થોડા વધીને વચ્ચે જ તૂટી જાય છે.
હોળી (ધુળેટી) રમતી વખતે સાવચેતી દાખવવાથી રંગોથી શરીરને થતા નુકસાનથી બચી શકાય છે. હોળી (ધુળેટી) રમતી વખતે પ્રાકૃતીક રંગો હર્બલ ગુલાલનો ઉપયોગ કરવો જોઈએ. ધુળેટી રમતી વખતે રસ્તા પર જતા વાહનચાલકો પર રંગો કે ગુલાલ ન ઉડાવવો જોઈએ.
હોળી રમતા પહેલા શરીરના ખુલ્લા ભાગ પર વેસલીન, તેલ કે કોલ્ડ ક્રીમ લગાવો. સરસિયાનુ તેલ, ઓલિવ ઓઈલ કે નારિયળનુ તેલ લગાવવાથી ત્વચા પર રંગોની પકડ ઓછી રહે છે. નખને હોળીથી બચાવવા તેના પર નેલપોલિશ લગાવી લો. બને શકે તો રંગ રમતા પહેલા નખ કાપી લો. મોટાભાગે હોળીના દિવસે લોકો જૂના કપડાં પહેરતા હોય છે, પણ કપડા એટલા પણ જૂના ન હોય કે ખેંચાતાણીમાં તેની સિલાઈ જ નીકળી જાય કે ફાટી જાય. જેથી આખા શરીરને ઢાંકનારા કપડા જ પહેરો. વાળ પર તેલ લગાવી લો.
મહિલાઓ તેલ નાખીને વાળનો અંબોડો બાંધી દો જેથી રંગ વાળની અંદર ન જાય. કોશિશ કરો કે હોળીનો રંગ મોં-આખોમાં પણ ન જાય. રંગબેરંગી સ્કાર્ફ અથવા હેર કેપથી વાળના સ્કાલ્પને સુરક્ષિત રાખી શકો. દૂધમાં ચણાનો લોટ મિકસ કરી પેક બનાવો, મલાઈ પણ ઉમેરી શકો. ફેસપેક ચહેરો, હાથપગ પર લગાવીને થોડોસુકાવા દો. સુકાઈ ગયા પછી હળવે હળવે લોટ રોલ કરતા જાવ. આવી રીતે બધા ભાગમાં લગાવેલો પેક હળવે હળવે દૂર કરો.
મલાઈ અને ચણાના લોટનું પોષણ ત્વચાને મળશે. લોટથી ત્વચા પર કોઈ રેશિસ નહીં થાય. બેસન, દહીં, સરસવનું તેલ અને હળદર મિક્સ કરીને પેક બનાવી શકો. ચહેરા અને અન્ય અંગો પર લગાવો. દસ મિનિટ સૂકાવા દો. પોલા હાથે ઘસીને પેક કાઢો. એમાં ફુદીનો તુલસીની પેસ્ટ પણ મિક્સ કરી શકો. આ પેકથી પણ ત્વચા પર રંગોના ધાબાં નીકળી જાય છે. સૂકી ત્વચા માટે મધ, બદામની પેસ્ટ, ગુલાબની પાંખડીની પેસ્ટ, જવનો લોટ, સંતરાની છાલના પાઉડરનો ઉપયોગ કરી શકો. આ બધી ચીજવસ્તુ દહીં અથવા કાચા દૂધમાં મિકસ કરીને બનાવેલા પેકનો ઉપયોગ કરો.
હાથની કોણી, ઘૂંટણ, પગની ઘૂંટી પરનો રંગ કાઢવા લીંબુનો રસ, ખાંડ અને સૂર્યમુખીનું થોડું તેલ બરાબર મિક્સ કરો. ત્વચા પર હળવા હાથે માલિશ કરો. ત્વચા પરથી રંગો નીકળી જશે. સ્નાન કર્યા પછી ત્વચા ચમકશે. સ્નાન કરતી વખતે વાળમાં શેમ્પુ લગાવો. થોડું સુકાય પછી હેરપેક લગાવો. દહીં અને મેથી પાઉડરને પાણીમાં મિક્સ કરી બનાવેલો પેક બધા વાળમાં લગાવો. વીસ મિનિટથી અડધો કલાક રાખો. શેમ્પુનો ઉપયોગ કર્યા વિના વાળ ઠંડા પાણીથી ધુઓ.