મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે કોમ્યુનિટી હોલ બનાવવા રૂ.૨.૬૬ કરોડનો ખર્ચ મંજુર કરતી સ્ટેન્ડિંગ કમિટી
શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લાખો શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારની યાદગાર ભેટ આપવામાં આવી છે. વોર્ડ નં.૪માં મોરબી રોડ જુના જકાતનાકા પાસે અત્યાધુનિક સુવિધાઓથી સજજ કોમ્યુનિટી હોલ બનાવવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૨.૬૬ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આજે સ્ટેન્ડીંગ કમિટીમાં તમામ ૨૪ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને રૂ.૧૩.૨૮ કરોડના વિકાસ કામોને લીલી ઝંડી અપાઈ છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવયું હતું કે, શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં જુના જકાતનાકા પાસે રાજકોટ ટીપી સ્કીમ નં.૧૨ના અંતિમ ખંડ નં.૧૦૫માં ૧૬૩૨.૭૮ ચો.મી. જમીન પર કોમ્યુનિટી હોલ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.૨.૬૬ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. કોમ્યુનિટી હોલમાં કુલ ૨૩૧૩૪ ચો.ફુટનું બાંધકામ કરવામાં આવશે. બાંધકામનો એરીયા ૭૭૫૦ ચો.ફુટનો રહેશે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર કવર્ડ પાર્કિંગ, સ્ટોરરૂમ, ઓફિસ, બે સ્ટેર કેસ, લીફટ, લેડીઝ અને જેન્ટસ ટોયલેટ બ્લોકની સુવિધા ઉભી કરવામાં આવશે. જયારે ફર્સ્ટ ફલોર અને સેક્ધડ ફલોર પર કોમ્યુનિટી હોલ, એટેચ ટોયલેટ બાથ‚મની સુવિધા સાથેના ૪ રૂમ, કિચન, લેડીઝ અને જેન્ટસ માટે અલગ ટોયલેટ બ્લોક, બે સ્ટેર કેસ અને લીફટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા ચાલુ સાલના બજેટમાં સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન ટેન્ડર ફાઈનલ થઈ ગયું હોવા છતાં અધિકારી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં ન આવતા તાજેતરમાં બાંધકામ સમિતીના ચેરમેન મુકેશ રાદડીયાએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. જેની અસર તાત્કાલિક દેખાઈ છે અને સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજુર પણ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે જ વોર્ડ નં.૪માં કોમ્યુનિટી હોલનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.