ટીપી સ્કીમ નં.12 ના વાણિજ્ય વેચાણ અને રહેણાક વેચાણ હેતુ માટેના અનામત પ્લોટ પર ગેરકાયદે ખડકેલા
કાચા પાકા ઝુંપડા, પ્લીન્થ લેવલ સુધીનું 5 બાંધકામ,3 ચાની કેબીન, પતરાના 2 રૂમ પર બુલડોઝર ફેરવી 72 કરોડની જમીન ખુલ્લી કરાવાય
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના સામા કાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર 4 માં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યો હતું. જેમાં મોરબી રોડ પર ટીપીના અનામત પ્લોટ પર ગેરકાયદે ખડકાઈ ગયેલા 49 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. 72 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 4માં મોરબી રોડ પર એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં ટીપીના અનામત પ્લોટ પર ખડગાઈ ગયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબી રોડ પર મધુવન સોસાયટી મેઇન રોડના કોર્નર પાસે ટીપી સ્કીમ નંબર 12 (રાજકોટ) ના વાણિજ્ય વેચાણ હેતુ માટેના અનામત પ્લોટ એવા એફ.પી.નં. 92ની 1648 ચોરસ મીટર જમીન પર બે રેતીના સટ્ટા અને એક ચાની કેબીનનું દબાણ દૂર કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ ટીપીનો કાફલો ફાઇનલ પ્લોટ નંબર 94 માં ત્રાટક્યો હતો. અહીં એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં વાણિજ્ય વેચાણ હેતુ માટેના અનામત એવા 5,171 ચોરસ મીટરના પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલા બે રેતીના સટા અને બે ચાની કેબીનો હટાવી દેવામાં આવી હતી.જ્યારે રહેણાંક વેચાણ હેતુ માટેના અનામત પ્લોટ એવા એફ.પી. નંબર 95 માં 5,190 ચોરસ મીટર જમીન પર 35 કાચા પાકા ઝુંપડા,પ્લીન્થ લેવલ સુધીના પાંચ બાંધકામો અને બે પતરાના રૂમ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતું.
ટીપીના અનામત એવા ત્રણ પ્લોટ પર 49 બાંધકામો જમીન દોસ્ત કરી 12,009 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.જેની બજાર કિંમત રૂપિયા 72 કરોડથી વધુ થવા પામે છે. ડિમોલિશન ની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.