હાલ કોરોના વાઇરસ મહામારી ચાલી રહી છે, આ વાઇરસને માત આપવા માટે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધુ પ્રમાણમાં હોવી જરૂરી છે. તે બાબતને ધ્યાને લઇ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૦૧-૦૭-૨૦૨૦ ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેથી કુલ ૧૫ ધનવંતરી રથનું માન. મેયર બિનાબેન આચાર્ય, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી  નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વિગેરેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, આરોગ્ય અધિકારી  ડો. રીન્કલ વીરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. ભૂમિબેન પીપળીયા તેમજ શાસક પક્ષના કાર્યાલય મંત્રી  જયંતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરુ કરાવેલ ૧૫ ધનવંતરી રથ દ્વારા શહેરના ક્ધટેઇનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ દરેક રથમાં થર્મલ ગન અને પલ્સ ઓકસીમીટર દ્વારા સ્ક્રીનીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. પ્રસ્થાન સમયે તમામ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રથ મારફત શહેરમાં કોરોના અંગેની જાગૃતતા માટે પ્રચાર-પ્રસારની કામગીરી પણ કરવામાં આવશે. જો કોઇ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી માલુમ પડશે તો તેને વહેલીતકે વધુ સારવાર આપવામાં આવશે અને તેનું ટેસ્ટીંગ પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.