રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 208 ફ્લેટધારકો પૈકી હજુ સુધી 26 લોકોએ આવાસનો કબ્જો સોંપ્યો નથી: કાલે સવારથી તમામ શાખાઓ એકસાથે કરશે કાર્યવાહી
શહેરના સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ રોડ પર આવેલી વર્ષો જૂની અરવિંદ મણીયાર આવાસ યોજનામાં કોર્પોરેશન દ્વારા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગૂ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટ આગળ ધપી શક્યો નથી. 208 ફ્લેટધારકો પૈકી 26 લોકોએ હજુ સુધી આવાસનો કબ્જો સોંપ્યો ન હોવાના કારણે કામગીરી આગળ ધપી શકી નથી. દરમિયાન કાલે તમામ ક્વાર્ટર ખાલી કરાવવા માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ અરવિંદભાઇ મણીયાર 208 આવાસ યોજના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થાય તે માટે ઇન્ચાર્જ મ્યુનિ.કમિશનર અનિલ ધામેલીયાએ બિડું ઉપાડ્યું છે. 208 આવાસ પૈકી માત્ર હાલ 26 આવાસધારકોએ હજુ સુધી કોન્ટ્રાક્ટ એજન્સી એવી જે.પી. સ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડને કબ્જો સોંપ્યો નથી. જેના કારણે એજન્સીએ આર્થિક નુકશાની સહન કરવી પડે છે.
ટેન્ડરની જોગવાઇ અનુસાર કોર્પોરેશને ખાલી કબ્જો આપવાનો નિયમ છે. અનેકવાર મનામણા છતાં અમૂક લોકો આવાસનો કબ્જો સોંપતા ન હોય કોર્પોરેશને ગત સપ્તાહે ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે કેવીએટ દાખલ કર્યા બાદ આવતીકાલથી તમામ શાખાઓ દ્વારા એક સાથે અરવિંદભાઇ મણીયાર ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દરમિયાન આજે સવારે ઇન્ચાર્જ મ્યુનિ.કમિશનરે તમામ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જવાબદારી સોંપી દીધી છે. કાલે ક્વાર્ટર ખાલી કરાવવાની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે તેવી જાણ થતાંની સાથે જ આજે ક્વાર્ટરધારકોનું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું. ક્વાર્ટર ખાલી ન કરાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.