હાલ ૩ એસટીપીમાં ૧૦૦ એમએલડી વેસ્ટ વોટરનું શુદ્ધિકરણ કરાઈ છે: માધાપર અને ગવરીદડ એસટીપી કાર્યરત થતા શુદ્ધિકરણની ક્ષમતા ૨૩૬ એમએલડીએ આંબશે: ખેતી, ઉધોગ, વીજ કંપની અને ઔધોગિક વિકાસ નિગમોને વેસ્ટ વોટર વેંચાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાનમાં શુદ્ધિકરણ થતા ગંદા પાણીનું હવે વેચાણ કરવામાં આવશે. આ માટે તૈયાર કરવામાં આવેલી વેસ્ટ વોટર રીયુઝ એન્ડ રીસાયકલ પોલીસીને બહાલી આપવા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી છે. વેસ્ટ વોટર પ્રતિ ૧૦૦૦ લીટર રૂપિયા ૧૩ના ભાવે વહેંચવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હાલ શહેરની ૮૫ ટકા જેટલી વસ્તીને ભુગર્ભ ગટરની સુવિધાથી આવરી લેવામાં આવી છે. ભુગર્ભ ગટર યોજના હેઠળ એકત્ર થતા ગંદા પાણીના શુદ્ધિકરણ માટે શહેરમાં કુલ પાંચ જગ્યાએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં હાલ રૈયા ખાતે ૫૧ એમએલડી, રૈયાધાર ખાતે ૫૬ એમએલડી અને કોઠારીયા ખાતે ૧૫ એમએલડી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. દૈનિક ૧૦૦ એમએલડી જેટલું વેસ્ટ વોટર શુદ્ધ કરવામાં આવે છે

અને તે ખેડુતોને આપવામાં આવે છે. કોઠારીયા ખાતે ૪૪.૫ એમએલડીની ક્ષમતાના એસટીપીનું ટ્રાયલ રન હાલ ચાલુ છે અને ગવરીદળ ખાતે નવા બનાવવામાં આવેલા ૭૦ એમએલડીની ક્ષમતાના એસટીપીનું ટ્રાયલ રન ટુંક સમયમાં શરૂ કરાશે. આ બંને એસટીપી કાર્યરત થતા કુલ દૈનિક ૨૩૬ એમએલડી પાણી શુદ્ધ કરવામાં આવશે જે ખેડુતો, ઉધોગો, કેન્દ્ર અને રાજય સરકારના સાહસો, વિકાસ નિગમ, વીજ કંપનીઓને આપવા માટે મહાપાલિકા દ્વારા વેસ્ટ વોટર રીયુઝ એન્ડ રીસાયકલ પોલીસી બનાવવામાં આવી છે.

આ પાણી ખેડુતોને સિંચાઈ વિભાગના નકકી કરેલા દરથી પણ ઓછા ભાવે આપવામાં આવશે. ખેડુતોને વેસ્ટ વોટર વહેણ સિંચાઈ માટે પ્રતિ એકટર પ્રતિ વર્ષ રૂ.૧૭,૩૩૪ અને ખેડુતો દ્વારા કોઈ વાહન મારફત પાણી લઈ જવામાં આવશે તો પ્રતિ એકટર પ્રતિ વર્ષ રૂ.૫૭૭૮ લેખે આપવામાં આવશે. દરમાં ગુજરાત સરકારના સિંચાઈ વિભાગના ધારા-ધોરણ મુજબ પ્રત્યેક વર્ષે ૭.૫ ટકાનો વધારો કરવામાં આવશે. ખેડુતોની બનેલી સહકારી મંડળી કે જે-તે ખાતેદાર પાસેથી સિંચાઈ માટે રીટ્રેડ સુએઝ વોટરના ઉપયોગ માટે થનાર વાર્ષિક ચાર્જ એકત્ર કરી જે-તે વર્ષની ૧ થી ૧૫ જુન સુધીમાં મહાપાલિકામાં ભરપાઈ કરી દેવામાં આવશે.

સિંચાઈ વિભાગ દ્વારા ઔધોગિક હેતુ માટે જે પાણી આપવામાં આવે છે તેનો દર પ્રતિ ૧૦૦૦ લીટર રૂ.૨૬ નિયત કરાયો છે. મહાપાલિકા દ્વારા વેસ્ટ વોટર ઔધોગિક હેતુ માટે સિંચાઈ વિભાગના હાલના દર કરતા અડધા દરે એટલે કે પ્રતિ ૧૦૦૦ લીટર પાણી રૂ.૧૩ લેખે આપવામાં આવશે. આ વેસ્ટ વોટર ખાનગી ઉધોગ, કેન્દ્ર અને રાજય સરકારના સાહસો, ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ, ગુજરાત રાજયની વીજ કંપનીઓ તેમજ બિનખેતી વિષયક પાણીના વપરાશકર્તાઓને આપવામાં આવશે. વેસ્ટ વોટરનો ઉપયોગ પીવા માટે કરી શકાતો નથી. ખેતી, બાંધકામ કે ગાર્ડનીંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભવિષ્યમાં બાંધકામ માટે વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે તેવી બાંહેધરી આપનારને જ બાંધકામની પરવાનગી અપાશે તેવો નિયમ પણ ઘડવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.