નાનામવામાં જય ભીમનગર, શિવધામ સોસાયટી,કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે, મોટામવામાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મવડીમાં અંબિકા ટાઉનશીપ અને સેલેનિયમ હાઈટ પાસે તથા રૈયાધાર પાણીના ટાંકા પાસે ઈડબલ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી લાભાર્થીઓ માટે બનાવાશે મકાન
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈડબલ્યુએસ, એલઆઈજી અને એમઆઈજીના લાભાર્થીઓ માટે રૂ.૪૧૫ કરોડના ખર્ચે ૩૧૨૬ આવાસ અને ૧૦૩ દુકાન બનાવવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં નાનામવા, મોટામવા, મવડી અને રૈયાધાર વિસ્તારમાં ૪૧૫ કરોડના ખર્ચે ૩૧૨૬ આવાસ અને ૧૦૩ દુકાન બનાવવામાં આવશે. નાનામવા ટીપી સ્કીમ નં.૫ના ફાઈનલ પ્લોટ નં.૩૪૮ જયભીમનગર પાસે, હેવલોક એપાર્ટમેન્ટ નજીક એમઆઈજી-૧ લાભાર્થીઓ માટે ૨૬૦ આવાસ અને ૨૫ દુકાન, ફાઈનલ પ્લોટ નં.૧૦૪ શિવધારા સોસાયટી સામે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેઈટ પાસે એમઆઈજી લાભાર્થીઓ માટે ૩૨૦ આવાસ, ફાઈનલ પ્લોટ નં.૪૪૬માં કાલાવડ રોડ પર રાણીટાવર પાસે એલઆઈજી લાભાર્થી માટે ૨૨૪ આવાસ બનાવવામાં આવશે.
આ ઉપરાંત રૂડા એરિયામાં ટીપી સ્કીમ નં.૨૪ (મોટામવા)ના ફાઈનલ પ્લોટ નં.૫૭/૧ અને ૫૭/૨માં પેટાગોન એપાર્ટમેન્ટ પાછળ, સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે, ઈડબલ્યુએસ-૨ લાભાર્થીઓ માટે ૧૪૪ આવાસ, વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૨૮ (મવડી)ના ફાઈનલ પ્લોટ નં.૨-બી અને ૬-એમાં અંબિકા ટાઉનશીપ સામે ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૧૮૮ આવાસ, ફાઈનલ પ્લોટ નં.૩-એમાં ૨૧૦ ઈડબલ્યુએસ-૨ પ્રકારના ૨૧૦ આવાસ, ટીપી સ્કીમ નં.૨૭ (મવડી)ના ફાઈનલ પ્લોટ નં.૪૧ (એ) સેલેનિયમ હાઈટસ સામે મવડી ગામ રોડ ખાતે એલઆઈજીપ્રકારના ૮૮૦ આવાસ અને ૪૨ દુકાન, ફાઈનલ પ્લોટ નં.૪૮-એમાં એમઆઈજી-૧ પ્રકારના ૨૭૨ આવાસ, ટીપી સ્કીમ નં.૯ના ફાઈનલ પ્લોટ નં.૫૨માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયાધાર પાણીના ટાંકા પાછળ એમઆઈજી-૧ના લાભાર્થીઓ માટે ૪૪૮ આવાસ અને ૩૬ દુકાન જયારે ફાઈનલ પ્લોટ નં.૫૩માં એલઆઈજી પ્રકારના ૧૮૦ આવાસ બનાવવામાં આવશે. કુલ ૪૧૫.૫૨ કરોડના ખર્ચે ઈડબલ્યુએસ પ્રકારના ૫૪૨ આવાસ એલઆઈજી પ્રકારના ૧૨૮૪ આવાસ, એમઆઈજી પ્રકારના ૧૩૦૦ સહિત કુલ ૩૧૨૬ આવાસ અને ૧૦૩ દુકાનો બનાવવામાં આવશે.
કોર્પોરેશનની ૨૪ આવાસ યોજનામાં ૪૦૦ કવાર્ટરોનું ગેરકાયદે વેચાણ: સર્વે રિપોર્ટમાં ધડાકો
૬૦૦ જેટલા આવાસો નિયમ વિરુઘ્ધ ભાડે આપી દીધાનું પણ ખુલ્યું: આવાસ યોજનામાં માથાભારે શખ્સોનો ત્રાસ: ચડત હપ્તા હોય તેવા કવાર્ટરો સીલ કરાશે.
કોર્પોરેશનની જુની અને નવી અલગ-અલગ ૨૪ આવાસ યોજનામાં ૪૦૦થી વધુ કવાર્ટરો નિયમ વિરુઘ્ધ વહેંચી નાખવામાં આવ્યા હોવાનું અને ૬૦૦ જેટલા આવાસને ગેરકાયદે ભાડે આપી દીધાનું સર્વે રીપોર્ટમાં પર્દાફાશ થયો છે.
આ મોટાભાગની આવાસ યોજનામાં માથાભારે શખ્સોની બોલબાલા છે. ચડત હપ્તા હોય તેવા કવાર્ટરો સીલ કરી પોલીસને સાથે રાખી નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તાજેતરમાં મહાપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા અલગ-અલગ આવાસ યોજનામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં માહિતી એકત્ર કરી લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ૨૪ આવાસ યોજનાઓમાં માથાભારે શખ્સોની બોલબાલા છે.
૪૦૦થી વધુ આવાસોનું નિયમ વિરુઘ્ધ વેચાણ કરી દેવામાં આવ્યું હોવાનું અને ૬૦૦ આવાસમાં મુળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આગામી ૧લી ફેબ્રુઆરીથી આવાસ યોજના વિભાગ દ્વારા ભાડુઆતોને હાંકી કાઢવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. દરેક આવાસની રૂબરૂ મુલાકાત લઈ લાભાર્થીઓના ડોકયુમેન્ટ ચેક કરી કાર્યવાહી હાથ ધરાશે.
દસ્તાવેજ નહીં હોય અથવા ચડત હપ્તાની નોટિસ આપવા છતાં જે લાભાર્થીઓએ નાણા ભરપાઈ નહીં કર્યા હોય તેવાના આવાસ સીલ કરી નાખવા સહિતના આકરા પગલા લેવામાં આવશે આ માટે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરાશે.