રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામો અપાયાં: ટેબલ કોફી બુકનું વિમોચન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા અંગે નોંધપાત્ર કામગીરી કરતા નાગરિકોને ઈ-સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની એક નવી પહેલનો શુભારંભ મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા કરાયો હતો.
આ અવસરે મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, શહેરના સંર્વાંગી વિકાસમાં માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ જ નહી સૌ નગરજનો પણ સક્રિય રીતે સામેલ છે, શહેરનો ભૌતિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રમા પણ વિકાસ થઇ રહયો છે. અનોખા પ્રયોગ સાથે “રંગોળી સ્પર્ધા” આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની વિકાસ પ્રક્રિયામાં તંત્રની સાથે નાગરિકો પણ સામેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા 49 વર્ષમાં પ્રવેશે છે ત્યારે એક બાબતનો ખાસ ઉલ્લેખ કરવા ઈચ્છું છું કે, મહાનગરપાલિકાએ શહેરના નાનામાં નાના લોકોના પ્રશ્નો ઉકેલવા પણ જહેમત લીધેલી છે. વિકાસનાં ફળ છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. શહેરમાં પાયાની મૂળભૂત સુવિધાઓથી માંડીને મેગા પ્રોજેક્ટસ પણ ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહયા છે.
જેમાં નવા નવા ઓવરબ્રિજ મોડર્ન ટેકનોલોજી સાથેની આવાસ યોજના, રામ વન અર્બન ફોરેસ્ટ વગેરે પ્રગતિ હેઠળ છે. સરકાર તરફથી રાજકોટને એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, સહિતના મેગા પ્રોજેક્ટ પણ આગળ ધપી રહયા છે. રાજકોટ રંગીલું શહેર છે અને તેમાં રાજકોટવાસીઓએ રંગોળીનાં માધ્યમથી વિવિધ રંગો પૂર્યા છે.
સ્વચ્છતા અંગે નોંધપાત્ર કામગીરી કરતા નાગરિકોને ઈ-સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની એક નવી પહેલનો શુભારંભ મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રંગોળી સ્પર્ધાના સ્પર્ધકોને સન્માનિત અને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર કરવામાં આવેલી કોફી ટેબલ બુકનું મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રંગોળી સ્પર્ધાના વ્યક્તિગત કેટેગરીના 5 વિજેતાઓ અને ગ્રુપ કેટેગરીના 5 વિજેતાઓને મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તેમજ પદાધિકારીઓ, કોર્પોરેટરઓ તથા નાયબ કમિશનરઓના વરદ હસ્તે પુરસ્કાર અપાયા હતાં.
આ ઉપરાંત કોર્પોરેશનના સ્થપાના દિન પ્રંસગે સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન ક્લબ દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે પ્રોજેક્ટ વિભાગ, દ્વિતીય ક્રમે ફાયરબ્રિગેડ અને ત્રીતીય ક્રમે હિસાબી શાખા આવેલ. જેઓને પણ પદાધિકારીઓ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને પ્રત્યેક નાગરિક સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ કામગીરી કરી રહેલ છે. સ્વચ્છતાની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપનાર પ્રત્યેક નાગરિક તંત્રને મદદરૂપ થવાની સાથે જ અન્ય નાગરિકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બને છે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકેલ એક લિંક થકી સ્વચ્છતા અનુસંધાને પોતે આપેલ સહયોગ અને કરેલ વિગતો રજુ કરવાની રહેશે. જેની ચકાસણી કરી જે-તે નાગરિકને ઈ-સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.