કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ જોકે વોર્ડ નં.૧૩ની પેટાચૂંટણીની આચારસંહિતાના કારણે તમામ ૩૫ દરખાસ્તો રહેશે પેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. હાલ વોર્ડ નં.૧૩ની એક બેઠક માટે યોજાનારી પેટાચુંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે સ્ટેન્ડિંગમાં ૩૫ દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવશે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે મહાપાલિકા દ્વારા ૪.૯૮ કરોડના ખર્ચે નવી ૧૦૦ ટીપરવાનની ખરીદી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, બીપીએમસી એકટ મુજબ દર મહિને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી ફરજીયાત હોય કાલે સ્ટેન્ડિંગ બોલાવવામાં આવી છે. હાલ વોર્ડ નં.૧૩ની પેટાચુંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા અમલમાં હોવાના કારણે તમામ ૩૫ દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવશે. શહેરમાં ૧૮ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વપરાશ માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂ.૪.૯૮ કરોડના ખર્ચે નવી ૧૦૦ ટીપરવાનની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના અલગ-અલગ મુખ્ય સર્કલ ખાતે હાઈમાસ્ક લાઈટીંગ ટાવર નાખવા, જલારામ-૨માં કોહિનુર એપાર્ટમેન્ટવાળી શેરીમાં જયોતીબેન પટાણીયા નામના અરજદારને ૯૯ ચો.મી.જમીન ભરતી ભરણીમાં આપવા, પ્રદ્યુમન પાર્ક ખાતે હેમાદ્રીસ બબુન વાંદરાનું પાજંરુ બનાવવા, મહાપાલિકાના અલગ-અલગ બગીચા અને સિનિયર સિટીઝન પાર્કમાં ફિઝીકલી ફિટનેસ માટેના સાધનો વસાવવા, અર્બન આઈસીડીએસ વિભાગનું નવું મહેકમ મંજુર કરવા, કોમ્યુનિટી હોલના સંચાલનની મુદતમાં પણ વધારો કરવા, રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું રીનોવેશન કરવા, વોર્ડ નં.૧માં રૈયાધારમાં આવેલા ઈન્દીરાનગર, મારવાડીનગર, મચ્છાનગર અને હિંમતનગરને લાગુ મફતીયાપરામાં પાણી માટે પાઈપલાઈન નેટવર્ક નાખવા સહિતની ૩૫ દરખાસ્તો રજુ કરવામાં આવી છે. આચારસંહિતાના કારણે કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવશે.