પાણીના પાઉચ પર પ્રતિબંધ બાદ ચાના કપ પર પ્રતિબંધ મુકવા ટુંકમાં જાહેરનામું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ૫મી જુનથી શહેરમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં ચાના પ્લાસ્ટીકના કપ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું ટુંક સમયમાં મહાપાલિકા દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવશે. આ અંગે વિશ્વનીય સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરમાં પ્લાસ્ટીકના વધતા જતા દુષણને અટકાવવા માટે મહાપાલિકા દ્વારા એક પછી એક કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત ગત ૫મી જુનથી શહેરમાં પાણીના પાઉચ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. દરમિયાન ચાના પ્લાસ્ટીકના કપથી પર્યાવરણને ભારે નુકસાન થતું હોય આગામી દિવસોમાં પ્લાસ્ટીકના ચાના કપ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું મહાપાલિકા દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત પાન અને ફાકી માટે વપરાતા પ્લાસ્ટીક પર હાલ પ્રતિબંધ છે પણ તેનો ઉપયોગ છુટથી થઈ રહ્યો છે. જેને અટકાવવા માટે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે.