Abtak Media Google News
  • 1710 લોકોને આવરી લેવાયા: આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાશે

રાજ્યભરમાં પાણીજન્ય રોગચાળા કોલેરાએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં પણ કોલેરાની એન્ટ્રી થઇ ચુકી છે. શહેરના ગોંડલ રોડ પર રેલવે ક્રોસીંગ પાસે લોહાનગર વિસ્તારમાં રહેતા 6 વર્ષના બાળકનો કોલેરાનો રિપોર્ટ પોઝીટીવ આવતા કોર્પોરેશનમાં દોડધામ મચી જવા પામી છે. 448 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં લોહાનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

રાજકોટ જિલ્લાના ઉ5લેટા પંથકમાં કોલેરાએ હાહાકાર મચાવ્યો છે. હવે રાજકોટમાં પણ કોલેરાની એન્ટ્રી થઇ છે. લોહાનગર વિસ્તારમાં એક 6 વર્ષના બાળકનો કોલેરાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઘરના પાણીની અસ્વચ્છ ટાંકીનું પાણી પીવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે બાળક કોલેરાગ્રસ્ત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. બીજી તરફ સમગ્ર વિસ્તારમાં કોલેરાના અન્ય કેસ તો નથીને તેની ઝીણવટભરી તપાસ કરવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ દ્વારા 448 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ 1710 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. 1710 પૈકી 6 વ્યક્તિ ઝાડા-ઉલ્ટીના રોગથી પીડાતા હોય તેઓને સ્થળ પર જ સારવાર આપી દેવામાં આવી હતી. વિસ્તારમાંથી અન્ય એકપણ શંકાસ્પદ કોલેરાનો કેસ ન મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. 182 ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 5780 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ સમગ્ર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ માટે પાણીના પાંચ નમૂના લેવાયા હતા. જે તમામ પરિક્ષણમાં પાસ થયા હતા. જ્યારે રેસીડ્યુઅલ ક્લોરિનેશન ટેસ્ટ માટે 35 નમૂના લેવાયા હતા. જે તમામ પોઝીટીવ આવ્યા છે. હાલ કોલેરાનો એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. વિસ્તારમાં ત્રણ કોમ્યુનિટી મિટીંગ યોજવામાં આવી હતી અને તમામને કોલેરા અંગે સમજણ આપવામાં આવી હતી. વિસ્તારને આગામી દિવસોમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

લોહાનગર વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા ઉકાળેલું પાણી પીવા, સ્વચ્છતા રાખવા, જમતા પહેલા સાબુથી હાથ ધોવા તથા ક્લોરિન ટેબ્લેટનો ઉપયોગ કરવા જેવી સૂચના આપવામાં આવી હતી. સર્વે દરમિયાન પીવાના પાણીના પાત્રોની સફાઇ કરવા પણ તાકીદ કરાઇ હતી. સમગ્ર વિસ્તારમાં મોબાઇલ મેડિકલ વાન દ્વારા દૈનિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. સાથોસાથ સાફ-સફાઇ માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને પણ સંકલનમાં રાખવામાં આવશે. ઉપલેટા પંથકમાં કોલેરાના કેસો મળી આવ્યા બાદ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કોલેરાના સંદર્ભે મહત્વપૂર્ણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જેનું શહેરીજનોને ચુસ્તતાથી પાલન કરવા માટે ટકોર કરવામાં આવી છે. રાજ્યભરમાં અનેક શહેરમાં પાણીજન્ય રોગચાળા કોલેરાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટમાં પણ કોલેરાની એન્ટ્રીથી શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.