• ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સલામતી અર્થે લેવાયા પગલા

શહેરના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સાંજે લાગેલી ભીષણ આગમાં 28 લોકો બળીને ભડથું થઇ ગયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ગેમ ઝોન બંધ કરાવી ફાયર સેફ્ટી સહિતની બાબતો અંગે ચેકીંગ કરવા આદેશ આપ્યા હતા. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 12 ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે અટલ સરોવર અને બે સ્થળે વેકેશન મેળા પણ બંધ કરાવી દેવાયા છે. જ્યારે પ્રદ્યુમન પાર્ક અને રામવનમાં રાઇડ રાખવામાં આવી ન હોય જે લોકો માટે ખૂલ્લા રાખવામાં આવ્યા છે.

આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશના પગલે શહેરમાં આવેલા તમામ 12 ગેમ ઝોન તાત્કાલીક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ સ્થળે ફાયર સેફ્ટીના નિયમનું પાલન થાય છે કે કેમ? તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એકમાત્ર બાલભવનમાં જ ફાયર સેફ્ટીનું એનઓસી હોવાનું માલૂમ પડ્યું હતું. ક્રિસ્ટલ મોલ અને રિલાયન્સ મોલમાં આવેલા ગેમ ઝોનને પણ બંધ કરવામાં આવ્યા છે. મોલ પાસે ફાયર એનઓસી છે. પરંતુ ગેમ ઝોન માટે જે ફાયરના સાધનોની જરૂરિયાત હોય તે ન હોવાના કારણે બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોસ્મોપ્લેક્સ, કુવાડવા રોડ પર બોમ્બે સુપર માર્કેટ, વફી ગેમ ઝોન, વેસ્ટર્ન ગેમ ઝોન, સરીતા વિહારમાં નોકઆઉટ ગેમ ઝોન, ઇન્ફીનીટી ગેમ ઝોન, અનબ્લાસ્ટ ગેમ ઝોન અને વાઉ ગેમ ઝોન હાલ બંધ કરી દેવામાં આવી છે. અટલ સરોવર એક એમ્યુઝમેન્ટ પાર્ક છે. પરંતુ અહિં હજુ એકપણ રાઇડ શરૂ કરવામાં આવી નથી. દરમિયાન આ જાહેર સ્થળ હોય તકેદારીના ભાગરૂપે અગ્નિકાંડ બન્યાની ગણતરીની કલાકોમાં અટલ સરોવરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

શહેરમાં હાલ અલગ-અલગ સ્થળોએ વેકેશન મેલા ચાલી રહ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટતાં હોય. અગ્નિકાંડની ઘટનાને પગલે નાના મવા અને રેસકોર્ષમાં ચાલતા વેકેશન મેલાને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્રને હમેંશા જીવલેણ દુર્ઘટના બન્યા બાદ જ તકેદારીના પગલા યાદ આવે છે. સરકારના કડક આદેશો છૂટતા ગેમ ઝોન, અટલ સરોવર અને વેકેશન મેલા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ સ્થળે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવતું હશે તો જ તેને ફરી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. અન્યથા એકપણ ગેમ ઝોનને ફરી ચાલુ કરવાની મંજૂરી મળશે નહિં.

રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડતા પડ્યા છે.રાજ્યના મોટા શહેરોમાં હાલ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે અને તમામ સ્થળોએ સેફટી તથા અન્ય નિયમોનું પાલન કરવામાં આવે છે કે તે અંગે પણ સઘન ચકાસણી ચાલી રહી છે.ગેમ્સ ઝોન  માટે નવા અને આકરા નિયમ કડવા માટે સરકાર પણ સજજ બની ગઈ છે આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સીએમ નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ગેમઝોન માટે નવા નિયમો તૈયાર કરવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. હાલ નજીકના દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવાનું ન હોય નવા નિયમો વટહુકમ દ્વારા લાગુ કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જાણય સહિત છે. સરકારના તમામ વિભાગો હાલ ફાયર સેફટી સહિતના નિયમોના પાલન થાય છે કે કેમ તે અંગેની ચકાસણીમાં જોતરાય ગયા છે. આવતીકાલ સાંજ સુધીમાં સીટ દ્વારા પણ રાજકોટની અગ્નિકાંડની ઘટના અંગેનું પ્રાથમિક અહેવાલ રાજ્ય સરકાર સમક્ષ રજુ કરી દેવામાં આવશે. ભવિષ્યમાં અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે સરકાર નવા નિયમો બનાવવા તરફ આગળ વધી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.