પર્યાવરણપ્રેમી સંસ્થાઓ અને એનજીઓ પાસે વૃક્ષારોપણ અને જાળવણી માટે ભાવ મંગાવાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ચોમાસાની સિઝનમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે ટ્રી-ગાર્ડ વિતરણ કરવાના બદલે હવે વૃક્ષારોપણનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. ગત વર્ષથી શરૂ કરવામાં આવેલા આ નવા અભિગમને સારી સફળતા મળતા આ વર્ષે પણ વૃક્ષારોપણનો કોન્ટ્રાક્ટ આપવા માટે ગાર્ડન શાખા દ્વારા ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. ગત વર્ષે આ કોન્ટ્રાક્ટ સદ્ભાવના ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો. શહેરમાં આશરે 4 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ગાર્ડન શાખા દ્વારા આજે ઇ-ટેન્ડર નોટિસ પ્રસિદ્વ કરવામાં આવી છે. જેમાં આગામી 19મી સુધી મુદ્ત રાખવામાં આવી છે. શહેરી વિસ્તારમાં જુદાજુદા વોર્ડમાં રસ્તાઓ પર, સોસાયટીના આંતરિક રસ્તાઓ પર અને કોર્પોરેશન સૂચવે ત્યાં વૃક્ષારોપણ કરી ત્રણ વર્ષ સુધી જાળવણી, નિભાવણી કરવા માટે પર્યાવરણપ્રેમી સંસ્થાઓ અને એનજીઓ પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. ગત વર્ષે સદ્ભાવના ટ્રસ્ટને વૃક્ષારોપણની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં વૃક્ષના વાવેતર માટે ખાડો ખોદવો, રોપા આપવા અને વૃક્ષનું વાવેતર કરી આપવું અને અન્ય એક વિકલ્પમાં ત્રણ વર્ષ સુધી આ વૃક્ષનું જતન કરવું, એમ બે પ્રકારના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. આ વર્ષે પણ આ રીતે જ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.