શાળા, કોલેજ, હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સહિત ૨૯૧ સ્થળોએ ચેકિંગ: મચ્છરની ઉત્પતિ સબબ રૂ.૯,૯૦૦નો દંડ વસુલાયો: મચ્છરોના ત્રાસ અંગે કોલ સેન્ટરમાં નોંધાઈ ૪૪ ફરિયાદો
ચોમાસાની સીઝનમાં શહેરમાં મેલેરિયા તથા ડેન્ગ્યુ તાવનો રોગચાળો ફાટી ન નીકળે તે માટે સઘન ચેકિંગ હાથ ધરવા મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે આરોગ્ય શાખાને કડક તાકીદ કરી છે. જેના અનુસંધાને આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૩૫,૩૭૦ ઘરોમાં કોર્પોરેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. મચ્છરોની ઉત્પતિ સબબ ૧૫૫ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
આજે આરોગ્ય શાખા સંલગ્ન મેલેરિયા વિભાગ દ્વારા રહેણાંક વિસ્તાર, બાંધકામ સાઈટ, હોસ્પિટલ, શાળા-કોલેજો, કોમ્પ્લેક્ષ, સેલર, ભંગારના ડેલા, ઈન્ડસ્ટ્રીઝ, સરકારી કચેરી, હોટલ સહિતના સ્થળોએ મચ્છરની ઉત્પતી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૩૫,૩૭૦ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૩૪૫૫ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.કુલ ૨૯૧ પ્રિમાઈસીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મચ્છરોની ઉત્પતિ જણાતા ૧૫૫ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ.૯૯૦૦નો દંડ વસુલ કરાયો હતો. અલગ-અલગ વિસ્તારોમાં ૧૯૭ ખાડા અને ખાબોચીયામાં દવાનો છંટકાવ કરાયો હતો.
જયારે ૩૨૮ ઘરોમાં પોરાભક્ષક માછલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોલ સેન્ટરમાં મચ્છરોના ત્રાસ અંગેની કુલ ૪૪ ફરિયાદો આવી છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે મેલેરિયાના પોઝીટીવ કેસ જે વિસ્તારમાંથી મળી આવે ત્યાં ૨૪ કલાકમાં ત્વરીત દવા છંટકાવ, ફોગીંગ સહિતના પગલા લેવા અને લોકોને આરોગ્ય શિક્ષણ આપવા તાકીદ કરવામાં આવી છે.
મેલેરિયા પોઝીટીવ કેસમાં રાષ્ટ્રીય ઔષધ સુચી મુજબ દર્દીઓને સારવાર આપવા પણ સુચના આપવામાં આવી છે. શાળા અને સંસ્થાઓમાં આરોગ્યલક્ષી લોકજાગૃતિ વર્કશોપ યોજવામાં આવશે.