ન્યૂટ્રાશ્યૂટીકલ ટેબ્લેટના નમૂના લેવાયાં: કૃષ્ણનગર મેઇન રોડ અને મવડીમાં ખાણી-પીણીની 21 દુકાનોમાં ચેકીંગ
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ બે મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ન્યૂટ્રાશ્યૂટીકલ ટેબ્લેટના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કૃષ્ણનગર મેઇન રોડ અને મવડી વિસ્તારમાં ખાણીપીણીની 21 દુકાનોમાં ચેકીંગ દરમિયાન પાંચ પેઢીઓને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે કૃષ્ણનગર અને મવડી વિસ્તારમાં ચેકીંગ દરમિયાન અલગ-અલગ 12 દુકાનોમાંથી નમૂના લઇ સ્થળ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બાલાજી ભવાની ફરસાણ અને સ્વીટ્સ માર્ટમાંથી પાંચ કિલો દાઝ્યા તેલના જથ્થાનું નાશ કરવામાં આવ્યું હતું. જ્યારે રવેચી ટી સ્ટોલ, બાલાજી સોપારી, ગેલ માં ડેરી ફાર્મ, સંગમ પ્રોવિઝન સ્ટોર્સને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે મોટી ટાંકી ચોકમાં 17-પંચનાથ પ્લોટમાં સંજય મેડિકલ એજન્સીમાંથી ડો.મોરફેન બાયોકેસ એડવાન્સ ન્યૂટ્રાશ્યૂટીકલ ટેબ્લેટ અને લીમડા ચોકમાં આલાપ બિલ્ડીંગ રામેશ્ર્વર મેડિકલ એજન્સીમાંથી ઝીયોફીડ મેન ન્યૂટ્રાશ્યૂટીકલ ટેબ્લેટનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.