રાજ્ય સરકારના ફૂડ વિભાગને ઓનલાઇન ફરિયાદ મળતા
રેસ્ટોરન્ટમાં બેફામ ગંદકી: પ્રતિબંધિત કલર અને આજીના મોટાનો ઉપયોગ થતો હતો: 12 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજ્ય સરકાર ફૂડ વિભાગને મળેલી ઓનલાઇન ફરિયાદના કારણે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગનો કાફલો શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં આવેલા સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટમાં ત્રાટક્યો હતો. અહીં ચેકીંગ દરમિયાન અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. સાથોસાથ ફ્રીઝ અને રેસ્ટોરન્ટમાં જીવાત પણ ખદબદતી જોવા મળી હતી. જેના આધારે ખાદ્યા સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા. પોતાની અલગ-અલગ બ્રાન્ચ પર કોર્પોરેશનને ધોસ બોલાવતા સંચાલક એવા યુવા સરદારજી આજે મારતી ગાડીએ કોર્પોરેશન કચેરીએ શાસકોને મળવા દોડી આવ્યા હતા.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા સવેશ્ર્વર ચોકમાં સન્ની પાજી દા ઢાબામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન રેસ્ટોરન્ટના ઉત્પાદન સ્થળ અને સ્ટોરેજ વિભાગમાં બેફામ ગંદકી જોવા મળી હતી. ફ્રીજ અને સ્ટોરેજ જીવાતોની ખદબદતા હતા.બટાટા સહિતનો શાકભાજીનો જથ્થો બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં જોવામળ્યો હતો. પ્રતિબંધિત મોનો સોડિયમ ગ્લુકોનેટ અર્થાત આજીના મોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પકડાયું હતું.
ગ્રેવી શાકમાં કેમિકલ કલરનો ઉપયોગ કરવામાં આવતોહતો. ફ્રિજમાં વાસી બાંધેલો લોટ, શાકભાજી, મન્ચુરીયન ગ્રેવીનો જથ્થો મળી આવ્યો હતો. કોમર્શિયલ કોમ્પ્લેક્સના પેસેજમાં રસોડું અને સ્ટોરેજ ખડકી દેવામાં આવ્યા હતા. પંજાબી રેડ ગ્રેવી અને મન્ચુરીયન ડ્રાઇના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યા છે. બાફેલા શાકભાજી, પનીર ચીલ્લી, સડેલા શાકભાજી સહિત 12 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય કે સન્ની પાજી રેસ્ટોરન્ટની રણછોડ નગરની અને નાના મવા વિસ્તારની બ્રાન્ચમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નોટિસ પણ ફટકારવામાં આવી છે.કોર્પોરેશન દ્વારા સતત દરોડાનો ધોસ વધારવામાં આવતા આજે સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટના યુવા સંચાલક એવા સરદારજી બપોરે કોર્પોરેશનના શાસકોને મળવા ધસી આવ્યા હતા.