20 થી 25 દિવસમાં પ્રિ-મોનસૂન કામગીરી પૂર્ણ કરવા સૂચના: ત્રણેય ઝોનમાં પાણી ભરાવવાની ફરિયાદો ન સર્જાય તેનું ધ્યાન રાખવા પણ આદેશ

ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાતા હોય છે. અધિકારીઓની સામાન્ય લાપરવાહીના કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી હોય છે. દરમિયાન આ વર્ષે ચોમાસાની સીઝનમાં કોર્પોરેશને લોકરોષનું ભોગ ન બનવું પડે તે પ્રકારે પ્રિ-મોનસૂન કામગીરી કરવા માટે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

ચોમાસાની આગામી ઋતુ દરમ્યાન શહેરના નગરજનોને હાલાકી ન પડે તે માટે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રી-મોન્સૂન અંતર્ગત તમામ વોર્ડના ડ્રેનેજના મેઈન હોલની સફાઈ, જ્યાં જ્યાં ડ્રેનેજની કુંડી બેસી ગઇ હોય તેવી કુંડીઓને રોડ લેવલ કરવા, તૂટી ગયેલ ઢાંકણા બદલાવવા, તમામ વોર્ડમાં પેચ વર્કની કામગીરી, ડામર પેવરના કામો, વાલ્વ ચેમ્બરની સફાઈ, તમામ વોર્ડના જે વિસ્તારોમાં પાણી ભરાવવાની ફરિયાદો અંગે સ્ટોર્મ વોટર મેઈન લાઈનની સફાઈ, શહેરના વોકળાઓની સફાઈ, શહેરના નાના મોટા વોકળાઓના દબાણ દુર કરવા, વૃક્ષની નડતરરૂપ ડાળીઓ કાપવા આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા તમામ સાધનો સજ્જતા સાથે કંટ્રોલરૂમ શરૂ કરવા વગેરે બાબતે સઘન ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવ્યા હતા.

ઈસ્ટ ઝોનના વોર્ડમાં મેટલીંગ કામની તેમજ રી-કાર્પેટના કામો 10 જુનની આસપાસ પૂર્ણ કરાશે. ઈસ્ટ ઝોનમાં જુદાજુદા 22 થી 24 લોકેશનો ઉપર વરસાદી પાણી ભરાઈ છે તેવા વિસ્તારોનું પાણી ડાયવર્ટ કરવાની કામગીરી હાલ ચાલુ છે.

સેન્ટ્રલ ઝોનમાં ત્રણ રસ્તાઓનું પેવર કામ તેમજ પેચવર્કના કામ ચાલુ છે. જે પૂર્ણ થઈ જશે. ડ્રેનેજ, સ્ટોર્મ વોટર વગેરેની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. 2000 જેટલી વાલ્વ ચેમ્બરોની સફાઈ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોનો સર્વે કરવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનમાં આશરે 26 કી.મી. જેટલી સ્ટોર્મ વોટરની કામગીરી કરેલ છે. તેમજ ડામર પેવરના કામો ચોમાસા પહેલા પૂર્ણ થઈ જશે. પેચ વર્કની કામગીરી હાલ ચાલુ છે. વેસ્ટ ઝોનમાં જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં વરસાદ બંધ થતા તેના નિકાલના સમયમાં ઘટાડો થાય તેવું આયોજન કરેલ છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વોકળાની સફાઈની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરેલ છે તેમજ જે જે વોકળામાં નાના મોટા દબાણ નડતરરૂપ છે તેમાં ટી.પી.વિભાગને સાથે રાખી કામગીરી અંગે આયોજન હાથ ધરવામાં આવેલ છે.

મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું કે, આખું વર્ષ શહેરના વિકાસમાં મહાપાલિકા દ્વારા સઘન કાર્યવાહી કરેલ હોય પરંતુ ચોમાસા દરમ્યાન લોકોને હાલાકીના કારણે કોર્પોરેશનને રોષનો ભોગ બનવું પડે છે. જેથી લોકોને મુશ્કેલી ઓછી પડે તે માટે અત્યારથી જ આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી છે.

આ ઉપરાંત હજુ આગામી ચોમાસાનો 20 થી 25 દિવસનો સમય હાથમાં હોય નાના મોટા કામો તાત્કાલિક પૂર્ણ કરવા, જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તેની ખાસ તકેદારી સાથે કામ કરવા, આ ઉપરાંત કોર્પોરેશનમાં નોંધાયેલ વોકળા સિવાય ઘણા નેચરલ વોકળા પણ હોય છે જેનો સર્વે કરી તેની સફાઈ કરવી, ઢેબર રોડ અને ગોંડલ રોડ વચ્ચે રેલ્વે ક્રોસિંગના નાલાની સફાઈ કરવી, નેશનલ હાઈવેના સર્વિસ રોડનું પણ મરામત થાય તે માટે નેશનલ હાઈવે ઓથોરીટી સાથે પરામર્શ કરી કામગીરી હાથ ધરવી. વોર્ડના તમામ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરોએ રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટમાં દબાણો ન થાય તે માટે સતત જાગૃત રહેવું. તમામ અધિકારીઓ અને કર્મચારીઓ બહોળો અનુભવ ધરાવે છે જેથી ચોમાસાની ઋતુમાં શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મેયર ડો.પ્રદિપ ડવે અનુરોધ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.