અલગ-અલગ ટીપી સ્કિમ અંતર્ગત કોર્પોરેશનને પ્રાપ્ત થયા 1707 અનામત પ્લોટ: મોટા મવા, મુંજકામાં અલગ-અલગ પાંચ ટીપી સ્કિમ અંતર્ગત 791548 ચો.મી. જમીન મળી
કોર્પોરેશનને ત્રણ વર્ષ દરમિયાન અનામત પેટે પ્રાપ્ત થયેલી જમીન પૈકી રૂ.186.45 કરોડની જમીનનું વેંચાણ કર્યું છે. માધાપર, મુંજકા, ઘંટેશ્ર્વર અને મોટા મવા સહિત કુલ પાંચ ગામો રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળવાને કારણે 212 અનામત પ્લોટ કોર્પોરેશનને મળ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ-2017-18 થી 2021-22 સુધીના કુલ પાંચ વર્ષના સમયગાળામાં કોર્પોરેશન દ્વારા ત્રણ વખત અનામત મળેલી જમીનનું વેંચાણ કરવામાં આવ્યું છે.
જેમાં વર્ષ-2017-18માં રાજકોટ ટીપી સ્કિમ નં.4ના ફાઇનલ પ્લોટ નં.1421ની 683 ચો.મી. જમીન, રૈયા ટીપી સ્કિમ નં.4ના ફાઇનલ પ્લોટ નં.515ની 2556.57 ચો.મી. અને નાના મવા ટીપી સ્કિમ નં.3ના ફાઇનલ પ્લોટ નં.4ની 801.50 ચો.મી. જમીનનું વેંચાણ કરવામાં આવ્યું હતું. વર્ષ-2018-19માં એકપણ ઇંચ જમીન વેંચવામાં આવી ન હતી. જ્યારે વર્ષ-2019-20માં રૈયા ટીપી સ્કિમ નં.4ના ફાઇનલ પ્લોટ નં.386 પૈકીની 99 ચો.મી. જમીન, રાજકોટ ટીપી સ્કિમ નં.12ના ફાઇનલ પ્લોટ નં.94 પૈકીની 1200 ચો.મી., રાજકોટ ટીપી સ્કિમ નં.7ના ફાઇનલ પ્લોટ નં.138 પૈકીની 59.43 ચો.મી. જમીનનું વેંચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ-2020-21માં જમીનનું વેંચાણ કરવામાં આવ્યુ ન હતું.
જ્યારે વર્ષ-2021-22માં ટીપી સ્કિમ નં.3 નાનામવાના ફાઇનલ પ્લોટ નં.4 પૈકીની 9438 ચો.મી. અને ટીપી સ્કિમ નં.9 રાજકોટના ફાઇનલ પ્લોટ નં.આર/8ની 4679 ચો.મી. જમીનનો વેંચાણ કરવામાં આવ્યું છે. પાંચ વર્ષ પૈકી ત્રણ વર્ષ જમીનના વેંચાણ થકી મહાપાલિકાને કુલ રૂ.186.45 કરોડની માતબર આવક થવા પામી છે.
ટીપી શાખાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરમાં કુલ 56 ટીપી સ્કિમ મંજૂર થઇ છે. જે પૈકી 32 ટીપી સ્કિમ આખરી, સાત પ્રારંભિક અને 16 મુસદ્ારૂપ ટીપી સ્કિમ મંજૂર થઇ છે. જેના થકી કોર્પોરેશનને 1707 અનામત પ્લોટ પ્રાપ્ત થયા છે.
વર્ષ-2020માં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં મોટા મવા, મુંજકા, માધાપર તથા ઘંટેશ્ર્વર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વિસ્તારની કુલ પાંચ ટીપી સ્કિમ મંજૂર થઇ છે. જેના થકી કોર્પોરેશનને વાણિજ્ય વેંચાણ હેતુના 38 પ્લોટ, રહેણાંક વેંચાણ હેતુના 21 પ્લોટ, એસઇડબલ્યુએસએચ હેતુના 45 પ્લોટ, પબ્લીક પર્પસ હેતુના 77 પ્લોટ, ગાર્ડન હેતુના 31 પ્લોટ અને સ્કૂલ તથા પ્લે ગ્રાઉન્ડ હેતુના કુલ 3 સહિત 212 અનામત પ્લોટ પ્રાપ્ત થયા છે. જેનું કુલ ક્ષેત્રફળ 791558 ચો.મી. જમીન પ્રાપ્ત થવા પામી છે.