૭ સ્થળે ડ્રાયફૂટ ઉપરાંત ૪ સ્થળેથી કુલક્રીમ મિલ્ક અને પંજાબી સબજીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલાયા: ૪ વેપારીઓને નોટિસ
દિવાળીના તહેવારમાં ડ્રાયફૂટ અને મીઠાઈનું વેંચાણ બહોળા પ્રમાણમાં થતું હોય છે. આવામાં અમુક વેપારીઓ હલકી ગુણવત્તાની ચીજવસ્તુનું વેંચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.
તહેવારમાં શહેરીજનોને ભેળસેળ રહીત આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તેવા હેતુથી આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખા દ્વારા અલગ અલગ ૭ સ્થળેથી ડ્રાયફૂટના નમૂના જયારે ૪ સ્થળેથી કુલક્રીમ મીલ્ક અને પંજાબી સબજીના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ચાર વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ચંદ્રેશનગર મેઈન રોડ પર શ્રીરામ વિજય કિરાણા ભંડાર અને ન્યુ માયાણીનગરમાં જગદીશ એન્ડ બ્રધર્સ, એરપોર્ટ રોડ પર મેગા માર્ટમાંથી લુઝ કાજુના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે પરાબજારમાં દાદાજી ડ્રાયફૂટમાંથી લુઝ અંજીર, પેડક રોડ પર પ્રીસીયસ ઓર્નામેન્ટસમાંથી લુઝ કાજુ, નવા ઘી કાંટા રોડ પર ગેલેકસી ફૂડમાંથી ટીમટીમ બ્રાન્ડ રોસ્ટેડ એન્ડ સોલ્ટેડ પીસ્તાચીયો અને ગાયત્રીનગર મેઈન રોડ પર સોમનાથ ડ્રાયફૂટમાંથી લુઝ કીસમીસ, રૈયા રોડ પર જનતા ડેરીફાર્મમાંથી જનતા ડેરી ગોલ્ડ પેસ્યુરાઈઝ કુલક્રીમ મીલ્ક, કસ્તુરબા રોડ પર લોટસ બેકવેટ રેસ્ટોરન્ટમાંથી વેજ મખનવાલા, મવડી ફાયર સ્ટેશન પાસે બજરંગ રેસ્ટોરન્ટમાંથી પનીર ભુરજી અને સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ એરીયા કોઠારીયામાં સહજ ટોપુ સોયા પનીરના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે.
આ ઉપરાંત ખીજડાવાળા રોડ, નાના મવા રોડ પર અલગ અલગ ૧૧ પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં યોગી ફરસાણ માર્ટ, હરભોલે ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, યશ ડેરી એન્ડ અમુલ પાર્લરમાં ચેકિંગ દરમિયાન અનહાઈઝેનીક કંડીશન અને ફૂડ લાયસન્સ સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. ૧૧ કિલો પસ્તી અને ૮ કિલો દાઝયા તેલ સહિત કુલ ૧૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.