સિવિલ હોસ્પિટલ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકડી બ્રિજ ઉપરાંત લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને નિર્મલા કોન્વેન્ટ રોડ પર બનેલા ફાયર સ્ટેશનનું લોકાર્પણ: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બે બ્રિજનું ખાતમુહુર્ત કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી બુધવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે અલગ-અલગ વિકાસકામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. દરમિયાન આજે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ એવી ઘોષણા કરી હતી કે પીએમના હસ્તે રાજકોટમાં રૂ.379.66 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
વડાપ્રધાનના હસ્તે રૂ.118 કરોડના ખર્ચે બનેલા ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટ, રૂ.106.67 કરોડના ખર્ચે બનેલા સિવિલ હોસ્પિટલ ચોક ફોર લેન ટ્રાએંગલ ફ્લાયઓવર બ્રિજ, રૂ.40.22 કરોડના ખર્ચે બનેલા નાનામવા સર્કલ બ્રિજ, રૂ.41.12 કરોડના ખર્ચે બનેલા રામદેવપીર ચોકડી બ્રિજ અને રૂ.9.52 કરોડના ખર્ચે નિર્મલા કોન્વેન્ટ રોડ પર બનેલા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર સહિત કુલ રૂ.318.53 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવશે.
જ્યારે રૂડા દ્વારા 13.23 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલને જોડતા 30 મીટરના ચાર માર્ગીય ડીપી રોડનું અને 12.37 કરોડના ખર્ચે 90 મીટરના છ માર્ગીય ડીપી રોડનું લોકાર્પણ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા મવડી મેઇન રોડ પર રૂ.22.33 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવનાર છે. તેનું પીએમના હસ્તે ખાતમુહુર્ત કરાશે જ્યારે રૂ.13 કરોડના ખર્ચે મોટા મવા સ્મશાન પાસેનો બ્રિજને પહોળો કરવામાં આવનાર છે અને ભીમનગરથી મોટા મવાને જોડતા બ્રિજના કામનું ખાતમુહુર્ત કરશે.