પ્રિ-મોન્સુનની વિવિધ કામગીરી અંગે બેઠક બોલાવતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા: વોંકળા સફાઈનો રોજ રિપોર્ટ આપવા આદેશ
આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને વિવિધ શાખાના સંબધિત અધિકારીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી.
મ્યુનિ. કમિશનરશ્રીએ મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્યાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી આગળ ધપાવવા તૈયારી શરુ કરવા જે તે શાખાના અધિકારી ને સુચના આપી હતી.મ્યુનિ. કમિશનરશ્રીએ પ્રિ-મોન્સુન માટે કરવાની થતી કામગીરી જેવી કે, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કરી જીએસડીએમએ અને રિલીફ કમિશનરને મોકલવા, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન, વોંકળામાંથી દબાણ દુર કરાવવું, બાઉન્ડ્રી ડીમાર્કેશન કરાવવું, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, ખાનગી જોખમી હોર્ડીંગ અંગેની માહિતી, વોંકળા સફાઇનું દરરોજનું પત્રક, ડ્રેનેજ ફરિયાદનો તાત્કાલિક નિકાલ તથા પ્રિ-મોન્સુન કાર્યવાહીની વિગતનું આયોજન, પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજનની વિગતો, ભયગ્રસ્ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહીની વિગત, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહીની વિગત, ભયગ્રસ્ત તેમજ તુટી પડે તેવા પોલ, ઇલેક્ટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ, વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્યવસ્થા, રસ્તા પરના ખાડા, ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહીની વિગત, ફાળવેલ તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ હસ્તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વ્યવસ્થા, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું, શહેર આસપાસના વિસ્તારો, ગામોમાં રહેતા તરવૈયાઓની નામ, સરનામા, ફોન નં. સાથેની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવા તથા તેના તાત્કાલિક નિકાલનું આયોજન, વર્ષ-2021માં જુદા-જુદા વિસ્તારો, માર્ગો વિગેરે ઉપર પાણી ભરાવાની મળેલ ફરિયાદોની માહિતી મેળવી, પુર, વાવાઝોડું વિગેરે કુદરતી આપત્તિ સમયે ચેતવણી વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી, વાહન વ્યવસ્થા, બોટ વ્યવસ્થા, સ્થળાંતરની કામગીરી, સુરક્ષિત આશ્રયસ્થાનની વ્યવસ્થા વિગેરે કામગીરીની વ્યવસ્થા, આશ્રયસ્થાનોમાં ફુડ પેકેટ, પીવાનું પાણી, જીવન રક્ષક દવાઓ, રસીઓ, ક્લોરીન ટેબલેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્યવસ્થા, કોલ સેન્ટર ઉપરાંત ફરીયાદો માટે ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થા કરવી, ક્ધટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનર આશિષકુમાર, સી.કે.નંદાણી અને એ.આર.સિંધ તેમજ ટાઉન પ્લાનર,.આસી.ટાઉન પ્લાનર, પર્યાવરણ ઇજનેર, નાયબ પર્યાવરણ ઇજનેર, ઝોનલ સિટી એન્જીનિયર, વોર્ડ એન્જીનિયર, વોર્ડ ઓફીસર, ઝોનલ સિટી એન્જીનિયર , આસિ. કમિશનર અને આસિ. મેનેજર (એસ્ટેટ તથા દબાણ હટાવ). ચીફ ફાયર ઓફીસર, સુરક્ષા અધિકારી, મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ વિગેરે ઉપસ્થિત રહયા હતા.