આઝાદ હિન્દ, રામ ઔર શ્યામ, રામકૃપા ગોલાવાળા સહિત પાંચ સ્થળે ચેકીંગ: રવિરાજ રેફ્રિઝરેશનમાંથી વિમલ બ્રાન્ડ કાજુ ગુલકંદ આઇસ્ક્રીમનો નમૂનો લેવાયો
ઉનાળાની સીઝનમાં આઇસગોલા સહિતની ઠંડક આપતી ખાદ્ય સામગ્રીનો ઉપાડ વધુ માત્રામાં રહેતો હોય છે. વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ દ્વારા ખાદ્ય સામગ્રીમાં બેસુમાર ભેળસેળ કરવામાં આવતી હોય છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં પાંચ સ્થળે નામાંકિત આઇસગોલાવાળાઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. માવો અને કસ્ટર્ડ પાવડર મિશ્રિત રબડી સહિત કુલ 83 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા પાંચ સ્થળે આઇસગોલાવાળાઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રિકોણ બાગ પાસે આઝાદ હિન્દી ગોલામાં 6 કિલો માવા-રબડીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે પેલેસ રોડ પર રામ ઔર શ્યામ ગોલામાં 8 કિલો માવા અને રબડીનો, કેનાલ રોડ પર રામ ઔર શ્યામ ગોલાવાળાને ત્યાં 22 કિલો માવા-રબડીનો નાશ કરવામાં આવ્યો હતો. બોલબાલા માર્ગ પર પીપળીયા હોલ પાસે રામકૃપા ગોલાવાળાને ત્યાં ચેકીંગ દરમિયાન 32 કિલો માવા રબડીનો અને વાણીયા વાડી વિસ્તારમાં પટેલ વાડી સામે આઝાદ હિન્દ ગોલાવાળાને ત્યાં 15 કિલો માવા-રબડીનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ દ્વારા મોરબી રોડ સેટેલાઇટ ચોક વિસ્તારમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 26 ખાદ્ય સામગ્રીના નમૂના લઇ ચકાસણી કરવામાં આવ્યું હતું અને 10 પેઢીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત આડા પેડક રોડ પર વલ્લભનગર-1માં રવિરાજ રેફ્રિઝરેશનમાંથી વિમલ બ્રાન્ડ કાજુ ગુલકંદ આઇસ્ક્રીમનો નમૂનો લેવામાં આવ્યો હતો.