વેપારીઓ સુધરી ગયા કે શું? એક પણ સ્થળેથી કાર્બાઈડનો જથ્થો ન પકડાયો
કેરીની સિઝન શરૂ થતાં વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં કેરી સહિતનાં ફળો પકાવવા માટે કૃત્રિમ રાસાયણ જેવા કે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરતાં હોવાની શંકાનાં આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરનાં કુવાડવા રોડ પર મેંગો માર્કેટ અને નવાગામમાં કેરીનાં ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક પણ સ્થળેથી કાર્બાઈડનો જથ્થો પકડાયો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફુડ વિભાગ દ્વારા આજે નવાગામ કુવાડવા રોડ પર આર.આર. ફ્રુટસ, રમેશભાઈ હકાભાઈ એન્ડ કંપની, જલારામ ફ્રુડ સહિત કુલ ૩ કેરીના ગોડાઉન જયારે કુવાડવા રોડ પર મેંગો માર્કેટમાં અલાણા ફ્રુટ, રોયલ ફ્રુટ, જય ખોડિયાર ફ્રુટ, વિરમભાઈ બાલાજી ફ્રુટ, શ્યામ ફ્રુટ, ડી.એમ.ફ્રુટ, શ્રીરામ ફ્રુટ, વી.એમ.ફ્રુટ, પનાલાલ એન્ડ કંપની, ભીખાભાઈ સોલંકી તથા બાપા સીતારામ કેરી ભંડાર સહિત ૧૫ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જયાં એક પણ સ્થળેથી કાર્બાઈડનો જથ્થો પકડાયો ન હતો.
પ્રતિબંધિત કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ ફળ પકાવવા માટે કરવો તે એક ગુનો છે. જોકે માન્યતા પ્રાપ્ત ઈથીલીન ચેમ્બરથી કેરી પકાવી શકાય છે. બહાર માર્કેટમાંથી પકાવેલી કેરી લેવાને બદલે લોકો કાચી કેરીની ખરીદી કરી ઘેર કેરી પકવે તે વધુ આરોગ્યપ્રદ હોય છે. કાચી કેરીને ઘાસ, ડુંગરી કે પસ્તી વગેરેનો ઉપયોગ કરી બંધ ગરમીવાળી જગ્યામાં રાખવાથી તે ઝડપથી પાકી જાય છે. બજારમાંથી કેરીની ખરીદી કર્યા બાદ તેને પાણીની ધોઈ ઉપયોગ કરવો. કાર્બાઈડથી પકાવેલી કેરી ખાવાથી ગળાનાં રોગ તેમજ આંતરડાના કેન્સર થવા સુધીનો ખતરો રહે છે.