૩૧ ફુડ સ્ટોલ પૈકી ૨૧ સ્ટોલમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા રોડ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ખાનગી મેળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણેય મેળામાં ૩૧ ફુડ સ્ટોલમાં ચેકિંગ દરમિયાન ૨૧ ફુડ સ્ટોલમાંથી ૧૫૧ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર પારીજાત પાર્ટી પ્લોટમાં આવેલા રોયલ જન્માષ્ટમી મેળામાં ૧૮ ફુડ સ્ટોલમાં ચેકિંગ દરમિયાન ૧૦૭ કિલો અખાદ્ય ખોરાક, ગ્રીનલેન્ડ ચોકડી પાસે ન્યુ રીયલ જન્માષ્ટમી મેળામાં ચાર સ્થળે ચેકિંગ દરમિયાન ૯ કિલો અખાદ્ય ખોરાક અને રૈયા રોડ પર જન્માષ્ટમી મેળામાં ૯ ફુડ સ્ટોલમાં ચેકિંગ દરમિયાન ૩૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો. જેમાં ૩૦ લીટર ચાસણી, ૨૦ કિલો ચીપ્સ, ૬ કિલો દાબેલીનો મસાલો, ૨૧ કિલો વાસી મકાઈ, ૧૧ કિલો વાસી ખીરૂ, ૧૧ કિલો પીઝા બેઈઝ, ૬ કિલો અચાર મસાલો, ૪ કિલો કલરવાળી ચટણી, ૬ કિલો મરચુરીયન, ૩ કિલો કાપીને ખુલ્લામાં રાખવામાં આવેલા ફળફળાદી, ૪ લીટર ફલેવર ચાસણી, ૨ કિલો પાન, ૨ કિલો તુટીફુટી સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.