હજારોની સંખ્યામાં થર્મોકોલની ડીસ, કપ, ગ્લાસ અને ચમચીનો જથ્થો જપ્ત કરાયો: જાહેરનામાનાં એક મહિના બાદ કામગીરી
પર્યાવરણની ઘોર ખોદતા સિંગલ યુઝ પ્લાસ્ટીકનાં વપરાશ પર મહાપાલિકા દ્વારા ગત ૫મી જુનથી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જાહેરનામાની પ્રસિઘ્ધી બાદ તંત્ર દ્વારા આશ્ચર્યજનક રીતે એક મહિનાનાં લાંબા અંતરાળ બાદ વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આજે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક વેચતા વેપારીઓ પર ધોસ બોલાવવામાં આવી હતી. રૂા.૬૪,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે શ્રીરામ કરિયાણા ભંડાર, ઓમ પ્લાસ્ટીક, ભાભા એજન્સી, આવકાર પ્લાસ્ટીક અને દયાલ એજન્સીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૩૪૦૦ નંગ પ્લાસ્ટીક અને થર્મોકોલની ડીસ, ૭૦૦૦ થર્મોકોલનાં કપ, ૧૫,૯૪૦ થર્મોકોલનાં ગ્લાસ અને ૩૭૦૦ પ્લાસ્ટીકની ચમચીનો નાશ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં આજે ૧૮ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૨૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક, ૨૪૦૦ નંગ પ્લાસ્ટીકનાં ગ્લાસ, ૧૦૦૦ નંગ ડિસ્પોઝેબલ કપનો નાશ કરવામાં આવ્યો હતો. વેપારીઓ પાસેથી આજે રૂા.૬૪,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.