પ્રતિબંધિત પ્લાસ્ટિક વધુમાં વધુ જપ્ત કરાવનારને રોકડ પુરસ્કાર અપાશે
સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની કેરી બેગ-ઝબલાનો ઉપયોગ લોકો ટાળે અને ભવિષ્યમાં અન્ય લોકોમાં પણ જાગૃતા લાવે તે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્લાસ્ટિકાય સ્વાહા 2.0 નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યકમનું ઉદઘાટન કિશાનપરા ચોક ખાતે સવારે 8 કલાકે કરવામાં આવશે. આ કાર્યક્રમ 5 જુન થી 30 જુન સુધી ચાલુ રહેશે. કિશાનપરા ચોક ખાતે શહેરીજનો સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ જમા કરાવી શકશે. આ કાર્યકમ દરમિયાન જે કુટુંબ કે વ્યક્તિ દ્વારા આ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જેટલું વધુ જમા કરવવામાં આવશે જેમાં કુલ રૂ.51 હજારનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાંથી પ્રથમ વિજેતાને 26 હજાર દ્વિતીય વિજેતાને 15 હજાર , તુતીય વિજેતાને 10 હજાર રૂપિયાના પુરસ્કાર આપવામાં આવશે.
શહેરની સોસાયટી, સ્કુલ, કોલેજ, સામાજીક સંસ્થામાં જઈને લોકોને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક આપવા અપીલ કરશે. લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવા અંગે જાગૃત કરવામાં આવશે, તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભરે જણાવ્યું હતું.
પોલીસ્ટાયરીન અને એક્ષ્પાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની સિંગલ યુઝ પ્લાસ્ટિક કોમોડીટીનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ 1લી જુલાઈ, 2022 થી પ્રતિબંધિત રહેશે. જેમાં પ્લાસ્ટિક સ્ટીક સાથે ઈયરબર્ડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક દાંડી,પ્લાસ્ટિક ધ્વજ,કેન્ડી સ્ટીક્સ, આઈસક્રીમ દાંડી, પોલીસ્ટાઈરીન (થર્મોકોલ)ની સજાવટ ની સામગ્રી, પ્લેટો, કપ, ગ્લાસ, કાંટા ચમચી, ચાકુ, સ્ટ્રો જેવી કટલેરી, મીઠાઈના ડબ્બા, નિમંત્રણ કાર્ડ, તથા સિગારેટ પેકેટની આજુ-બાજુ પેક કરવા માટેની ફિલ્મ, 100 માઈક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિક અથવા પીવીસી બેનરનો સમાવેશ થાય છે. પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે એ હકીકત ધ્યાને લઇ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો જોઈએ. આપણે સૌ આ પ્લાસ્ટીકની આહુતિ આપીએ જે પર્યાવરણ માટે નુકશાનકારક છે. આપની પાસે જે હાનિકારક પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિક કચરો છે એ જમા કરાવી આ અભિયાનમાં સામેલ થવા વિનંતિ કરી છે.