સોશિયલ ડિસ્ટન્સનાં સંપૂર્ણ પાલન સાથે કોર્પોરેશનમાં મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તમામ ૩૧ દરખાસ્તોને મંજુરીની મહોર: રૂ.૧૦.૫૨ કરોડનાં વિકાસ કામોને બહાલી
કોરોનાનાં કારણે દેશમાં છેલ્લા બે માસથી પણ વધુ સમયગાળાથી લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પુરતા કોરમનાં અભાવે અગાઉ બે વખત મુલત્વી રાખવાની ફરજ પડી હતી. આજે સોશિયલ ડિસ્ટન્સીંગનાં સંપૂર્ણ પાલન સાથે જ સ્ટેન્ડિંગ કમિટીનાં કોન્ફરન્સ ના બદલે કમિશનર વિભાગનાં કોન્ફરન્સ રૂમમાં ખડી સમિતિની બેઠક મળી હતી જેમાં મંજુરી અર્થે રજુ કરવામાં આવેલી તમામ ૩૧ દરખાસ્તોને બહાલી આપી રૂ૧૦.૫૨ કરોડનાં વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યા હતા. રાજકોટ વિશે એવું કહેવામાં આવે છે કે, અહીં સબ ભૂમિ ગોપાલ કી માની જમીન માફીયાઓ ગમે તેની જમીન પર ગેરકાયદે કબજો જમાવી લેતા હોય છે. મહાપાલિકાની જમીનમાં પણ જાણે અસલામત છે તેવું અંદર ખાને શાસકો અને વહિવટી વિભાગને લાગી રહ્યું છે. અલગ-અલગ બે ટીપી સ્કીમમાં આવેલા ૫૪ પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે આજે રૂ૨.૨૬ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે છેલ્લા બે માસથી લોકડાઉન ચાલી રહ્યું છે. રાજયમાં આજે પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકામાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં પાલન સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં વિકાસ કામો અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. અગાઉ બે વખત પુરતા કોરમનાં અભાવે સ્ટેન્ડિંગ મુલત્વી રાખવાની ફરજ પડી હતી. આજે સ્ટેન્ડિંગ પૂર્વે સંકલન બેઠકમાં ભાજપનાં તમામ નગરસેવકો અને સ્ટેન્ડિંગમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. તમામ ૩૧ દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી. રેસકોર્સ સંકુલ સ્થિત યોગ સેન્ટરનું ભાડુ રૂ.૧૦૦૦ નિયત કરવા દરખાસ્ત રજુ કરાઈ હતી જે સ્ટેન્ડિંગ કમિટીએ ઘટાડી રૂ૫૦૦ કરવાનો નિર્ણય કર્યો છે. ૧૦ ટકા વેરા વળતર યોજનાની મુદત વધારવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી હતી. મહાપાલિકાને પોતાની જ જમીન અસલામત લાગી રહી હોય તેવું આજે જે રીતે અલગ-અલગ ટીપી સ્કીમનાં રીઝર્વેશનનાં પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે ખર્ચ મંજુર કરાયો તેના પરથી લાગી રહ્યું છે. વોર્ડ નં.૧૨માં વાવડી સ્કિમ નં.૧૫માં મહાપાલિકા હસ્તકનાં ૨૭ રીઝર્વેશન પ્લોટ કે જેનું ક્ષેત્રફળ ૧૮,૪૦૦ ચો.મી. થાય છે તેને ફરતે સી.સી. ટ્રીક્રાસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ૧.૦૮ કરોડ જયારે વોર્ડ નં.૧૧માં ટીપી સ્કીમ નં.૨૭ (મવડી)નાં તમામ ૩૭ રીઝર્વેશન પ્લોટ કે જેનું ક્ષેત્રફળ ૧૯,૨૪૦ ચો.મી. થાય છે ત્યાં સી.સી. ટ્રિક્રાસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ.૧.૨૭ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે કર્યો ચાર દરખાસ્તોનો વિરોધ
મહાપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૩૧ દરખાસ્તો મંજુર કરી રૂ.૧૦.૫૨ કરોડનાં વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. કોંગ્રેસનાં સ્ટેન્ડિંગ સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ અલગ-અલગ ૪ દરખાસ્તોનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં ઈન્ડોર સ્ટેડિયમની સ્કેટીંગ રીંગ એક વર્ષ માટે ભાડે આપવા, વોર્ડ નં.૨ અને ૩માં પ્રાઈવેટાઈઝનથી ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટર તગડી ઓન સાથે આપવાનો, યોગ સેન્ટરનું ભાડુ રાખવાનો અને ફુટબોલ ગ્રાઉન્ડ એકેડેમી કે કોચીંગ માટે સંસ્થાને બે વર્ષ માટે સોંપી દેવા જેવી દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો હતો જોકે તેઓનાં વિરોધની નોંધ લીધા વગર ભાજપનાં શાસકોએ બહુમતીનાં જોરે તમામ દરખાસ્તો મંજુર કરી હતી.